Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બિલ્ડર હનીફ દાઢીની હત્યાનો ભેદ ઉકેલવા ક્સીઆઇડી રાઇમ બ્રાન્ચની કવાયત :પુત્ર શોએબનો નાર્કો ટેસ્ટ કરાશે

હત્યા પાછળ તમામે હનીફ દાઢીના મોટા પુત્ર શોએબ પર શંકા વ્યક્ત કરી : શોએબે કહ્યું --મારા નાર્કો ટેસ્ટથી પિતા હનીફ દાઢીના હત્યારા મળતા હોય તો હું ટેસ્ટ કરાવવા તૈયાર છું.

અમદાવાદ: અમદાવાદના જમાલપુરના બિલ્ડર હનીફ દાઢીની ગોળી મારી 2016ની સાલમાં હત્યા કરવામાં આવી હતી. લોકલ પોલીસ અને ક્રાઇમબ્રાન્ચની ટિમ હનીફ દાઢીના હત્યારાઓને આજદિન સુધી શોધી શકી નથી. આ કેસમાં પોલીસે સમરી રિપોર્ટ પણ ફાઇલ કર્યો હતો. હનીફ દાઢીની પત્ની, પુત્ર, મિત્રો અને સ્વજનોના પોલીસે નિવેદન લીધા જેમાં હનીફ દાઢીની હત્યા પાછળ તમામે હનીફ દાઢીના મોટા પુત્ર શોએબ પર શંકા વ્યક્ત કરી હતી.

હનીફ દાઢી હત્યા કેસની તપાસમાં ક્રાઇમબ્રાન્ચે તમામ એંગલથી તપાસ કરી હતી. પોલીસની તપાસ શોએબ પર આવી અટકી જતી હતી. પોલીસે હનીફ દાઢીની પઠાણ ગેંગ સાથેની અદાવત અંગે તપાસ કરી હતી જોકે કોઈ કડી મળી નથી.

હનીફ દાઢીને મુન્ના પઠાણ ગ્રુપ, સલીમ જુમ્માખાન અને તેના ભાઈ અલતમસ જોડે વર્ષો જુની અદાવત ચાલતી હતી. આ ઉપરાંત જમીનના કબ્જા અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના ધંધામાં હનીફ દાઢીએ દુશ્મનોની લાઈન લગાવી હતી. મુંબઈમાં રહેતી મહિલા મિત્રને લઈને પણ પરિવારના સભ્યો સાથે હનીફ દાઢીને વિવાદ થયો હતો. આ ઉપરાંત જમાલપુર વિધાનસભા ચૂંટણીમાં સાબિર કાબલીવાલાને ટિકિટ ન આપી કોંગ્રેસ પાર્ટીએ ગેંગસ્ટર રસુલ પાર્ટીના પિતરાઈ ભાઈ વજીરખાનના પુત્ર સમીર સિપાઈને ઉમેદવાર બનાવ્યો હતો. આ ચૂંટણીમાં હનીફ દાઢીએ ચારેતરફથી દબાણ અને ધાકધમકીથી ડર્યા વગર કોંગ્રેસથી નારાજ થઈ અપક્ષ ઉમેદવારી કરનાર સાબિર કાબલીવાલાનો પ્રચાર કર્યો જેના કારણે ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટની જીત થઈ હતી.

આ ઉપરાંત વડોદરા રાવપુરામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને હનીફ દાઢીના સાળા સલીમ મસાણીયાની હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં હનીફ દાઢી રસ લઈ સજા કરાવશે તેવા ડરથી આરોપીઓ સમાધાન કરવા ધાકધમકી આપતા હતા. જોકે હનીફ દાઢીએ સમાધાન હું કરાવી શકું તેમ નથી તેવો જવાબ આપ્યો હતો. હનીફ દાઢીના દુશ્મનોનું લિસ્ટ લાબું લચક હતું.

હનીફ દાઢી પર ગત તા 17-9-2016ના રોજ જમાલપુર ખાતેના તેઓના ઘર પાસે બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. સારવાર દરમિયાન હનીફ દાઢીનું 19મી તારીખે મોત થયું હતું. હત્યા કેસની લોકલ પોલીસ તપાસ કરી રહી હતી. આ દરમિયાન હનીફ દાઢીના મોટા પુત્ર શોએબએ જ ક્રાઇમબ્રાન્ચ કે એટીએસ જેવી સ્વતંત્ર એજન્સીને તપાસ સોંપવા માંગ કરી હતી. ક્રાઇમબ્રાન્ચે આ કેસમાં તપાસ કરી પણ પગેરું મેળવી શકી ન હતી. શોએબએ 2018ની સાલમાં સીબીઆઈ તપાસની માંગ પણ કરી હતી.

આ કેસની તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઈમએ હનીફ દાઢી હત્યા કેસમાં મૃતકના મોટા પુત્ર શોએબ શેખને જ નાર્કો ટેસ્ટ કરવા નોટીસ મોકલી છે. શોએબનો નાર્કો, બ્રેઇન મેપિંગ સહિતના જુદા જુદા ટેસ્ટ કરવામાં આવશે. આ પ્રક્રિયા તા.9 થી 13 નવેમ્બર સુધી ચાલશે

મૃતક હનીફ દાઢીના પુત્રએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં મારા પિતાની હત્યા બાબતે મારા પરિવારના સભ્યો, સગા, સબંધી તેમજ મિત્રોએ મારી પર શંકા વ્યક્ત કરી છે. જેના કારણે સીઆઈડી ક્રાઈમે મને નાર્કો ટેસ્ટ માટે બોલાવ્યો છે. મારા માટે મારા પિતાના હત્યારા પકડાય તે જરૂરી છે. જો મારો ટેસ્ટ કરવાથી એમ થતું હોય તો હું તૈયાર છું. મારા નાર્કો ટેસ્ટ બાદ દૂધનું દૂધ પાણીનું પાણી થયા બાદ પોલીસ બીજી દિશામા તપાસ તો કરશે. જેથી હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું.

(7:10 pm IST)