Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચનો સપાટો : 70 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની ધરપકડ

આરોપીઓ ગુડ્સ ટ્રેન મારફતે ગાંજો મંગાવતા: ઓરિસ્સાથી સુરેન્દ્ર નામના એક શખ્શે ગાંજો મોકલ્યો હતો : 70 કિલો ગાંજો અને રીક્ષા સહિત સાતેક લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદ : અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચે 70 કિલો ગાંજા સાથે 2 આરોપીઓની શહેરકોટડા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. આ આરોપીઓ ગુડ્સ ટ્રેન મારફતે ગાંજો મંગાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

એસઓજી ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, ગુડ્સ ટ્રેઇનમાં ગાંજાનો જથ્થો મંગાવામાં આવી રહ્યો છે અને તે માલ આરોપીઓ પોતાના ઘરે લઈ જવાના છે અને ત્યાથી તેઓ આ ગાંજાનો છુટક વેપાર કરે છે. જેથી આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવા માટે પોલીસે વોચ ગોઠવી હતી. આ વોચમાં મોહમંદ શેહજાદ મોહમંદ રશીદ અંસારી તથા રામ પ્રકાશ ખટીકની 70 કિલો ગાંજો અને રીક્ષા સહિત સાતેક લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.  

  આરોપીઓની વધુ પુછપરછ કરવામાં આવતા તેઓએ જણાવ્યું છે કે, ઓરિસ્સાથી સુરેન્દ્ર નામના એક શખ્શે તેમને ગાંજાનો જથ્થો મોકલી આપ્યો હતો અને શહેરમાં અલગ અલગ લોકોને આ ગાંજાનો જથ્થો સપ્લાય કરવાનું કહેવામાં આવ્યું હતું.

 પકડેલા બંને આરોપીઓની એસઓજી ક્રાઈમ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે આ સાથે હેન્ડલર સુરેન્દ્ર ઉર્ફે ઓરિસ્સાની શોધખોળ પણ પોલીસે હાથ ધરી હોવાનું એસઓજી ડીસીપી મુકેશ પટેલ એ જણાવ્યું છે. આરોપીઓ આ જથ્થો ગુડ્સ ટ્રેઇન મારફતે લાવતા અને શહેરના કાલુપુર રેલવે સ્ટેશનથી પાર્સલ લઈને શહેરકોટડા જતા રહેતા હતાં. બાદમાં અલગ અલગ છૂટક પડીકીઓ બનાવી અનેક વિસ્તારોમાં વેંચતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ છ માસથી આ રેકેટ ચલાવતા અને પહેલી વાર પોલીસ ગિરફતમાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

(6:58 pm IST)