Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગુજરાત પોલીસ દ્રારા સ્પેશિયલ ઝુંબેશ: 26 દિવસમાં 106 જેટલાં આરોપીઓને પકડીને જેલ હવાલે કરાયા

પેરોલ / ફર્લો કે પછી પોલીસના જાપ્તામાંથી નાસી છૂટેલાં આરોપીઓને ઝડપવા ડ્રાઈવ

અમદાવાદ : પેરોલ / ફર્લો કે પછી પોલીસના જાપ્તામાંથી નાસી છૂટેલાં આરોપીઓ મામલે ડીજીપી આશીષ ભાટીયાના આદેશથી ગુજરાત પોલીસ દ્રારા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરાઈ હતી જેમાં માત્ર 26 દિવસમાં જ 106 જેટલાં આરોપીઓને પકડીને જેલ હવાલે કરાયા છે,  જેમાં સૌથી વધુ 10 વર્ષથી નાસતાં ફરતાં કેદીઓનો પણ સમાવેશ થાય છે. આ કેદીઓમાં સૈથી વધુ બનાસકાંઠામાંથી 12 કેદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. આ કેદીઓમાં 44 તો ખૂનના ગુનામાં સજા ભોગવતાં કેદીઓનો સમાવેશ થાય છે.

જેલમાં સજા ભોગવતાં પાકા કામના કેદીઓ તેમજ કોર્ટના હુકમથી જેમની સામે કેસો હજુ ચાલતા હોય પરંતુ જેલમાં બંધ હોય તેવા કાચા કામના કેદીઓને જેલની જોગવાઇ મુજબ પેરોલ અથવા ફર્લો તેમજ વચગાળાના જામીન પર છોડવામાં આવે છે. કેટલાંક લોકો છૂટી ગયા બાદ પણ સમય વીતી ગયો હોવા છતાં હાજર નહીં રહીને નાસતાં ફરતાં હોય છે. તો બીજી બાજુ પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના બનાવો પણ બને છે.

આ સમયગાળા દરમિયાન આવા આરોપીઓ બીજા ગુનાઓ પણ આચરતાં હોય છે. જેથી આવા કેદીઓ કે પછી આરોપીઓને પકડવા ખૂબ જ જરૂરી હોય છે. આ બાબતને નજર સમક્ષ રાખીને જ રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાએ હાલમાં પેરોલ કે ફર્લો અથવા પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલા આરોપીઓને પકડવા અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા દરમિયાન રાજયમાં આવાં 1 હજારની આસપાસ આરોપીઓ ફરાર હોવાનું ધ્યાને આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઇને DGPએ આવા આરોપીઓને તાત્કાલિક પકડવા માટેની સૂચના જારી કરી હતી. આ સૂચનાના પગલે CID ક્રાઇમ દ્રારા 8મી ઓક્ટોબરથી 4થી નવેમ્બર સુધી કુલ 26 દિવસની એક સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવી હતી.

આ અંગે રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયાએ ગુજરાત એક્સકલુઝીવને નિવેનદ આપતા જણાવ્યું હતું કે, ‘પેરોલ, ફર્લો, જાપ્તા ફરારી, વચગાળાના જામીન પર છૂટીને નાસતાં ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી. અંદાજે 1 હજારની આસપાસની સંખ્યા હતી. જેમાંથી 106 લોકોને પકડી લેવામાં આવ્યા છે. તેમાં એક કેદી 1999ના વર્ષનો છે. જ્યારે અન્ય એક 2001ના વર્ષનો કેદી પણ છે.

ડ્રાઇવ દરમિયાન પકડાયેલા ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, સમાજમાં ભય તેમજ આંતકનો માહોલ ઊભો કરનારા શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ભાગેડું આરોપીઓ / કેદીઓ છે. આવાં 106 ભાગેડુઓને અમદાવાદ શહેર, સુરત, રાજકોટ ગ્રામ્ય, બનાસકાંઠા, મહેસાણા, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી પકડયાં છે.

જિલ્લા/શહેરનું નામ પકડાયેલા આરોપીની સંખ્યા
અમદાવાદ શહેર 10
મહેસાણા 7
રાજકોટ ગ્રામ્ય 13
બનાસકાંઠા 12
પોરબંદર 6

અમદાવાદ ગ્રામ્યના પેરોલ/ફર્લો સ્કવોડ દ્રારા સને 1999થી પોલીસ જાપ્તાનો ફરાર આરોપી શાહુ ઉર્ફે લાલીયો સુમાર ડફેરને પકડવામાં વ્યો છે. તેવી જ રીતે વડોદરા જિલ્લાના સ્કવોર્ડે 2001 ફરાર કેદી શાલીગ્રામ ચીમા સીતારામ કલાલને પકડવામાં આવ્યો છે. તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ખૂનનો આરોપી જે વચગાળાના જામીન પર છૂટીને ફરાર થયા બાદ ખૂન, ખૂનની કોશીષ તથા સરકારી નોકર પર ગંભીર હુમલા જેવા ગુનો આચર્યો હતો તેવા દયાવાન ઉર્ફે બંટી અશોકભાઇ પાટીલને પણ ઝડપી લેવામાં આવ્યો છે. તો સુરત ગ્રામ્ય દ્રારા સને 2008માં વચગાળાના જામીન પર છૂટયા બાદ નાસતા ફરતા મનોજ જયકરણ તિવારીને પકડી પાડવામાં આવ્યો છે.

આ ડ્રાઇવ દરમિયાન ખૂનના ગુનામાં સજા ભોગવતાં કુલ 44, શરીર સંબંધી ગુનાના કુલ 9, ધાડ/લૂંટના ગુનાના 2, ફરાર કેદીઓને પકડવામાં આવ્યાં છે.

(6:54 pm IST)