Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બીએપીએસ મંદિરો અને હરિભક્‍તોના ઘરે હવે 2 મૂર્તિઓ સ્‍થાપના કરાશેઃ હરિકૃષ્‍ણ મહારાજની મૂર્તિની સાથે ગુણાતિતનંદ સ્‍વામીની ચલ સ્‍વરૂપની મૂર્તિ પધરાવાશે

વડોદરા: બીએપીએસ મંદિરો અને હરિભક્તોના ઘરે હવે બે મૂર્તિઓ ની સ્થાપના કરવામા આવશે. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની સાથે ગુણાતિતાનંદ સ્વામીની ચલ સ્વરૂપની મૂર્તિ પધરાવવામા આવશે. 180 વર્ષ પહેલા ગુણાતિતાનંદ સ્વામીએ પુજા કરેલી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે હવે ગુણાતિતાનંદ સ્વામીનુ અક્ષર સ્વરૂપ પણ બિરાજશે. બીએપીએસ 1100 મંદિરો અને લાખો હરિભક્તોના ઘરે હવે બે મૂર્તિની પૂજા થશે. શરદપૂર્ણિમા ના દિવસથી વૈદિક પૂજા કરી મૂર્તિને પધરાવવામા આવી.

મોટો બદલાવ

બીએપીએસના અટલાદરાસ્થિત મંદિરના સંત જ્ઞાનવત્સલ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં 1100 મંદિર આવેલાં છે, જ્યાં ચલ સ્વરૂપે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ આવેલી છે, જે મૂર્તિને લઈ સંતો દેશ-વિદેશ જતા હોય છે. અત્યારસુધી ચલ સ્વરૂપે હરિકૃષ્ણ મહારાજની જ મૂર્તિ હતી, હવે દરેક મંદિરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ સાથે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પણ પધરાવવામાં આવશે. આ ઉપરાંત જે ભક્તો ચલ સ્વરૂપે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ ઘરમાં પૂજતા હશે, તેઓ પણ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિને પોતાના ઘરે પધરાવશે.

ઉલ્લેખનીય છે કે, ગુણાતીતાનંદ સ્વામીનો જન્મદિવસ શરણપૂર્ણિમાના દિવસે હતો. ત્યારે આ અવસરે ભક્તોને ખાસ ભેટ આપવામાં આવી હતી. લાખો હરિભક્તો હંમેશાથી ગુણાતીતાનંદ સ્વામીની પૂજા કરતા આવ્યા છે. જોકે, ચલ સ્વરૂપે તેઓ પૂજાતા ન હતા. તેમાં અત્યાર સુધી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી. જેથી હવે અક્ષર સ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પણ પધરાવવામાં આવી છે. ગુણાતીતાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી હતા. ગુણાતીતાનંદ સ્વામી એક એવા આદર્શ સંત હતા કે જેમના કારણે અનેક લોકોનાં જીવન પરિવર્તન થયાં હતાં, અપકાર ઉપર ઉપકાર કરવાની તેમની આ સાધુતાથી તેઓ સૌના પ્રિય બન્યા હતા.

(4:51 pm IST)