Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોરોના મહામારીમાં આ વખતે દિવાળીમાં ફટાકડાનો ટ્રેન્‍ડ બદલાયોઃ બાળકોને બહાર ન જવુ પડે અને ઘરમાં જ ફોડી શકાય તેવા ફટાકડાની ડિમાન્‍ડ વધી

ગાંધીનગર: ગુજરાતમાં ફટાકડા ફોડવાના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો નથી. રાજ્ય સરકારે આ સંદર્ભે કોઈ બેઠકનું આયોજન કર્યું નથી. 9 તારીખે ગ્રીન ટ્રિબ્યુનમા કેસની સુનાવણી થશે, તે સમય પહેલા રાજ્ય સરકાર યોગ્ય જવાબ રજૂ કરશે. આવામાં રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ નિયંત્રણની કોઈ વિચારણા હાલના તબક્કે નથી. જોકે સ્વૈચ્છિક રીતે નિયંત્રણ પાડવામાં આવે તેવી અપીલ સરકાર કરી શકે છે. આ વચ્ચે લોકડાઉન બાદની પ્રથમ દિવાળીમાં ફટાકડાના વેપારીઓને સારા વેપારની આશા જાગી છે. ફટાકડાના માર્કેટમાં હજી ગ્રાહકોની તેજી આવી નથી. પરંતુ આગામી દિવસોમાં ખરીદી વધે તેવી પૂરેપૂરી શક્યતા છે.

ગુજરાત ફાયર ડિલર્સ એસોસિયેસનના ઉપપ્રમઉખ આશિષભાઈએ જણાવ્યું કે, કોરોનાના ડરના કારણે લોકોએ વહેલી ખરીદી કરવાનુ શરૂ કર્યું છે. કર્મચારીઓના પગાર અને બોનસ થયા હોવાથી સારા વ્યાપારની આશા વેપારીઓમાં જાગી છે. કોરાનાને પગલે લાદવામાં આવેલા લોકડાઉનના કારણે પ્રોડક્શનમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે. તેમજ હોલસેલમાં ડિમાન્ડમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ફટાકડાના સીઝનલ સ્ટોરમાં 50 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે ચોમાસા બાદના કમોસમી વરસાદને કારણે ફટાકડામાં ભારે નુકસાન થયું હતું. તેમજ પ્રોડક્શન ઘટ્યું હોવા છતાં પ્રાઇઝમાં કોઇ વધારો નથી. કોરોનાને પગલે ઓનલાઇન ઓર્ડર અને હોમ ડિલીવરી પણ વેપારીઓએ શરૂ કરી છે. ફટાકડાના સ્ટોર પર કોવિડ ગાઇડલાઇન્સનું પાલન માટે પુરતી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. પ્રથમ દિવાળીમાં હોલસેલ વેચાણ 50 ટકા ઘટ્યું છે. ત્યારે વેપારીઓને હવે રીટેઇલ માર્કેટ પર આધાર છે.  

વેપારીઓએ ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યાં

કોરોનાને કારણે ફટાકડાના વેપારીઓએ પણ ડિજીટલ પેમેન્ટ પર ભાર મૂક્યો હતો. તો બીજી તરફ, ગ્રાહકોએ બાળકો ઘરમાંજ એન્જોય કરી શકે એવા ફાયર ક્રેકર્સની પસંદગી કરી છે. કોરાના કાળમાં બાળકોએ બહાર ન જવું પડે માટે બાલ્કની કે ઘરમાંજ ફોડી શકે તેવા ફટાકડાની ખરીદી કરી રહ્યાં છે.

દિલ્હી જેવી પરિસ્થિતિ ગુજરાતમાં નથી

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ ફટાકડા બાબતે સુનવણી થઈ રહી છે. ત્યારે ગુજરાત સરકાર પાસે માહિતી માંગી છે. NGT જો બીજો કોઈ નિર્ણય ન કરે તો રાજ્ય સરકાર પોતાની રીતે નિર્ણય કરશે તેવુ નાયબ નીતિન પટેલે મીડિયાને જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, ફટાકડા સંદર્ભે સરકાર તમામ બાબતોનું ધ્યાન રાખીને નિર્ણય કરશે. દિલ્હી જેવી પરિસ્થિતિ ગુજરાતમાં નથી. ગુજરાતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે.

(4:50 pm IST)