Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

બનાવટી દસ્‍તાવેજો અને જમીન કેસ પ્રકરણમાં અમદાવાદના પોપ્‍યુલર બિલ્‍ડર રમણ પટેલની ઓફિસમાં સર્ચ ઓપરેશન

અમદાવાદ: પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આરોપીઓને સાથે રાખીને તેની ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાઇ રહ્યું છે. બનાવટી દસ્તાવેજો અને જમીન કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પોપ્યુલર ગ્રુપના  બિલ્ડર રમણ-દશરથને પોલીસ સ્ટેશનમાં VIP સગવડો મળતી હોવાની પણ ચર્ચા વહેતી થઈ છે. પોલીસ રિમાન્ડમાં રહેલા આરોપીઓને તમામ સુવિધાઓ મળતી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. રમણ-દશરથ પર પુત્રવધુ ફિઝુ પર હુમલો કરવાના અને તેને શારિરીક માનસિક ત્રાસની એક ફરિયાદ ઉપરાંત જમીન-ઓફિસ પચાવી પાડવાના ત્રણ કેસ સહિત કુલ 4 ગુનાઓ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, ફિઝુ કેસમાં જેલમાં રહેલા આરોપીઓ રમણ-દશરથની પોલીસે ચંચળબહેન બ્રહ્મભટ્ટની ફરિયાદ મુદ્દે ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી હતી. કોર્ટમાં બન્ને આરોપીઓને પોલીસે રજૂ કરતા બન્નેને તા.9મી સુધીના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ પર રહેલા બન્ને આરોપીઓની સારી રીતે સરભરા થતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલ સહિત અન્ય ચાર વ્યક્તિઓ સામે તેમની પુત્રવધૂએ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ માગણીના કેસમાં આરોપી રમણ પટેલે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી પણ કરી હતી. અગાઉ અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે અને હાઈકોર્ટ દ્વારા આરોપી રમણ પટેલની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.આ કેસમાં મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે અન્ય બે આરોપી મુકેશ અને મયૂરિકાબહેનની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી. ધરપકડથી બચવા માટે રમણ પટેલ અને મૌનાગ પટેલ દ્વારા કરેલી આગોતરા અરજી કોર્ટે ફગાવી દેવાતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

(4:49 pm IST)