Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અમદાવાદના પોપ્‍યુલર ગ્રુપના બિલ્‍ડર રમણ દશરથને પોલીસ સ્‍ટેશનમાં વીઆઇપી સુવિધા મળતી હોવાનો ગણગણાટઃ હોટલનું ભોજન-મિનરલ વોટર, જ્‍યુસ-નાસ્‍તાની સગવડ

અમદાવાદ: પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ-દશરથને પોલીસ સ્ટેશનમાં VIP સગવડો મળતી હોવાની ચર્ચા વહેતી થઈ છે. પોલીસ રિમાન્ડમાં રહેલા આરોપીઓને તમામ સુવિધાઓ મળતી હોવાનો ગણગણાટ શરૂ થયો છે. રમણ-દશરથ પર પુત્રવધુ ફિઝુ પર હુમલો કરવાના અને તેને શારિરીક માનસિક ત્રાસની એક ફરિયાદ ઉપરાંત જમીન-ઓફિસ પચાવી પાડવાના ત્રણ કેસ સહિત કુલ 4 ગુના નોંધાયા છે.

ફિઝુ કેસમાં જેલમાં રહેલા આરોપીઓ રમણ-દશરથની પોલીસે ચંચળબહેન બ્રહ્મભટ્ટની ફરિયાદ મુદ્દે ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી હતી. કોર્ટમાં બન્ને આરોપીઓને પોલીસે રજૂ કરતા બન્નેને તા.9મી સુધીના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ પર રહેલા બન્ને આરોપીઓની સારી રીતે સરભરા થતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગેસ્ટ રૂમમાં આરોપીઓને બેસાડી સગા-સબંધીઓ અને મળતિયાઓ સાથે મુલાકાત કરાવવામાં આવી રહી છે. આરોપીઓ પોલીસ રિમાન્ડ પર હોવા છતાં પણ આરામથી જાણે તમામ સેટઅપ ગોઠવાઈ ગયું હોય તેવી રીતે સુવિધાઓ મેળવી રહ્યા છે.

અહીં બન્ને આરોપીઓને લોકઅપની જગ્યાએ ગેસ્ટ રૂમમાં રાખવામાં આવ્યા છે. જ્યાં બેસવા માટે સોફાની પણ વ્યવસ્થા છે. બન્ને આરોપીઓને સારામાં સારી હોટલનું ભોજન, મિનરલ વોટર, જ્યુસ, નાસ્તો સહિતની સગવડો મળે છે. સિગારેટની વ્યવસ્થા પણ આરોપી માટે થઈ હતી. આમ બન્ને આરોપીઓને વીઆઇપી સગવડ પુરી પાડવા માટે પોલીસ ખડેપગે છે.

બીજી તરફ પોપ્યુલર ગ્રુપના બિલ્ડરો અને મળતીયાઓ વિરુદ્ધ ઉચ્ચ અધિકારીઓના આદેશથી અરજીના આધારે એક પછી એક એમ કુલ 4 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આરોપી રમણ-દશરથની બે કેસમાં ધરપકડ થઈ છે. જ્યારે આરોપીઓ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થલતેજ ન્યુયોર્ક ટાવરમાં ઑફિસ પચાવી પાડયાની ફરિયાદ તેમજ સોલા પોલીસ સ્ટેશનમાં જમીન હડપ કર્યાની બીજી ફરિયાદ છે. આ બન્ને ફરિયાદમાં પણ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે.

રમણ-દશરથની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં થઈ રહેલી સરભરાની વાતો ઉચ્ચ અધિકારીઓ કાને પણ પહોંચી ચૂકી છે. આરોપીઓને વીઆઇપી સગવડો મળી રહ્યાની વાતો અંગે તપાસના આદેશ થાય તો નવાઈ નહીં. જોકે પોપ્યુલર ગ્રુપના બિલ્ડરોને સુવિધા પુરી પાડવા પાછળ કોણ છે? તે સ્પષ્ટ નથી પણ બિલ્ડર રમણ-દશરથની મદદ વગદાર વ્યક્તિ પડદા પાછળ રહી કરી રહ્યાં છે તે સ્પષ્ટ છે.

(4:48 pm IST)