Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સપાટીએ : રાયખડ,પીરાણા 'વેરી પુઅર ' કેટેગરીમાં સામેલ

દિવસ દરમ્યાન એર ક્વોલિટી ઇન્ડેક્સ 245 સાથે ‘પૂઅર’ નોંધાયો

અમદાવાદ : લોકડાઉનમાં ગુજરાત સહીત દેશભરમાં પ્રદૂષણમાં પણ ઘટાડો થયો હતો તેમજ નદીઓના પ્રદૂષણમાં ઘટાડો થતા જળચર જીવસૃષ્ટિને ઘણી રાહત થઇ હતી. પરંતુ હવે જ્યારે રાજ્યમાં ‘અનલોક’ આપી દેવાયુ છે ત્યારે ફરીથી જનજીવન પૂર્વવત્ થઇ ગયું છે. એવામાં અમદાવાદમાં પ્રદૂષણ પણ ચિંતાજનક સપાટીએ પહોંચ્યું છે. અમદાવાદમાં દિવસ દરમ્યાન એર ક્વોલિટી ઇન્ડેક્સ 245 સાથે ‘પૂઅર’ નોંધાયો હતો. જો પ્રદૂષણ માટેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી વધી જાય તો તે સ્થિતિને ચિંતાજનક ગણવામાં આવે છે. જો કે શહેરમાં વધતુ જતું પ્રદૂષણ એ કોરોનાના દર્દીઓને માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ગઇ કાલે શુક્રવારે દિવસ દરમિયાન એર ક્વોલિટી ઇન્ડેક્સ રાયખડમાં સૌથી વધુ 322, પિરાણામાં 312, એરપોર્ટમાં 266 જ્યારે સેટેલાઇટમાં 245 નોંધાયો હતો. આમ, શહેરના બે વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300થી વધુ નોંધાતા તેને ‘વેરી પૂઅર’ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સિવાય મોટા ભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી વધુ નોંધાયેલ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે જે સમયે કોરોના મહામારીમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું તે સમયે પ્રદૂષણના સ્તરમાં ખૂબ સુધારો જોવાં મળ્યો હતો અને એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ 75ની આસપાસ થઇ ગયો હતો.જો કે, હવે બધું જ પૂર્વવત્ થતા જ પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થવા લાગ્યો છે.એર ક્વોલિટી ઇન્ડેક્સ 50થી ઓછો હોય તો તેને સારો કહેવાય, 51થી 100 વચ્ચે હોય તો સંતોષકારક, 101થી 200 વચ્ચે હોય તો સાધારણ, 201થી 300 વચ્ચે હોય તો ખરાબ, 301થી 400 વચ્ચે હોય તો અત્યંત ખરાબ અને 400થી વધુ હોય તો તેને ગંભીર ગણવામાં આવે છે. પરંતુ લાગે છે કે, હજુ આગામી દિવસોમાં પણ અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી વધારે થાય તેમ મનાઇ રહ્યું છે.

(11:18 am IST)