Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કાલથી ઘોઘા - હજીરા રો પેકસ ફેરી સર્વિસનો નરેન્દ્રભાઇના હસ્તે પ્રારંભ

સુરતના હજીરાથી વર્ચ્યુઅલ લોકાર્પણ : સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતના લોકોને દિવાળી ભેટ : ભાવનગરમાં પત્રકાર પરિષદ સંબોધતા સાંસદ ભારતીબેન શિયાળ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૭ : સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળના અધ્યક્ષ સ્થાને તા.૮ નવેમ્બરથી શરૂ થનારી ઘોઘા - હજીરા રો પેકસ ફેરી સેવા અંગે વિગતવાર માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રાજયમંત્રી વિભાવરીબેન દવે, મેયર મનહરભાઈ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબહેન મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા સહિતના પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.

પત્રકાર પરિષદ સંબોધતા સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૮ નવેમ્બર, ૨૦૨૦ના રોજ સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેકસ ફેરી સેવાનો શુભારંભ કરાવશે અને નવનિર્મિત રો-રો ટર્મિનલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. સુરતમાં વસતા સૌરાષ્ટ્રના અંદાજે ૨૦ લાખ લોકો સહિત દક્ષિણ ગુજરાતનાં લોકો માટે આ રો-પેકસ ફેરી સેવા પ્રધાનમંત્રી શ્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થશે.

હાલમાં સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે ૧૦ થી ૧૨ કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેકસ સેવા શરૂ થયા બાદ આ મુસાફરી માત્ર ૪ કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટર સાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલા સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માંગી લેનારૃં હતું. એ જ રીતે, દક્ષિણ ગુજરાતના લોકો માટે આ સેવા સૌરાષ્ટ્રના દ્વાર ખોલી દેશે. તેમના માટે સોમનાથ મંદિર, સાસણગીર, ગીરનાર, દ્વારકા, શેત્રુંજય, જામનગરના ઇકો ટુરીઝમ કે રાજકોટના વેપારી મથકો સુધી પહોચવું સુગમ બનશે. ફેરી સેવા શરૂ થવાથી સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં બંદર ક્ષેત્ર, ખાતર અને ફર્નિચર ઉદ્યોગને મોટું પ્રોત્સાહન મળશે. આમ આ સેવા સૌરાષ્ટ્ર અને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

રો-પેકસ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે ૫ લાખ મુસાફરો, ૮૦ હજાર પેસેન્જર વાહનો, ૫૦ હજાર ટુ-વ્હીલર અને ૩૦ હજાર ટ્રકની અવરજવર શકય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ ૩૭૦ કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર ૯૦ કિમી જેટલું રહેશે. જેને કારણે ઇંધણની મોટી બચત થશે. રો-પેકસ ફેરી સેવાથી પ્રતિ દિવસ અંદાજે ૯,૦૦૦ લીટર ઇંધણની બચત થશે. જેનાથી કાર્બન ડાયોકસાઈડ ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરી શકાશે. એક અંદાજ મુજબ, પ્રતિ દિવસ ૩ ટ્રીપ પ્રમાણે, પ્રતિ દિન ૨૪ એમટી કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકાશે.

રો-પેકસ સેવાથી સુરત-સૌરાષ્ટ્ર વચ્ચે અવર જવર સસ્તી અને સુગમ બનશે. જેથી સુરતના ધંધા-ઉદ્યોગોનો લાભ સૌરાષ્ટ્રને મળતા સૌરાષ્ટ્રના જીલ્લાઓ આર્થિક રીતે મજબૂત બનશે તથા ધંધા-રોજગારીની નવી તકો ઉભી થશે. રો-પેકસને કારણે સૌરાષ્ટ્રના પ્રવાસન સ્થળોએ પહોચવું સરળ બનતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગો દ્વારા તૈયાર કરાતો માલ ઝડપી અને સસ્તા ભાવે સુરત અને ત્યાંથી મુંબઈ જેવા મોટા શહેરોમાં પહોચાડી શકાશે જેથી સૌરાષ્ટ્રને રો-પેકસ થકી એક મોટું બજાર મળશે. આમ, રો-પેકસ સેવા એ માત્ર પરિવહન સેવા ન બની રહેતા સૌરાષ્ટ્ર અને સુરતના લોકો માટે સમૃદ્ઘિની ચાવી સાબિત થશે.

હજીરા-ઘોઘા ફેરી સર્વિસ દિવસમાં ત્રણ વખત ચાલશે. એકી દિવસોમાં ઘોઘાથી સવારે ૭ અને સાંજે ૫ વાગ્યે અને હજીરાથી બપોરે ૧૨ વાગ્યે ફેરી ચાલશે. જયારે બેકી દિવસોમાં હજીરાથી સવારે ૭ અને સાંજે ૫ વાગ્યે અને ઘોઘાથી બપોરે ૧૨ વાગ્યાનો સમય રહેશે. ઓનલાઇન બુકિંગ https://www.dgseaconnect.com/ પર કરી શકાશે.

આ રો પેકસમા ૩૦ ટ્રક (૫૦ મેટ્રિક ટનવજન સહીત) ૧૦૦ પેસેન્જર કાર તથા ૫૦૦ પેસેન્જર+ ૩૪ શીપક્રૂની ક્ષમતા, કેમ્બે લોન્જ (વીવીઆઈપી), બિઝનેસ કલાસ, એકઝીકયુટીવ જેવી સગવડતાઓ, ૨ ફૂડ કોર્ટ તેમજ સુરક્ષા અર્થે ૨૫ વ્યકિતની ક્ષમતાવાળા ૨૨ નંગ લાઈફ રાફટ, મરીન ઇવેકયુએશન ડીવાઈસ જે તમામ મુસાફરોને ૨૫ મીનીટમાં બહાર કાઢી લેવાની ક્ષમતા ધરાવે તેવા ૩૦૦૦ વ્યકિતની ક્ષમતાવાળા ૨ નંગ અને ૩૦૦ વ્યકિતની ક્ષમતાવાળા ૨ નંગ અને ૯ વ્યકિતની ક્ષમતા ધરાવતી ફાસ્ટ રેસ્કયુ બોટ ૧ નંગ જેટલી સુવિધાઓ આ રો-પેકસમા ઉપલબ્ધ છે.

(10:41 am IST)