Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગુજરાતના બજેટની તૈયારી : કોરોના 'કાપ' મૂકાવશે

કરવેરાની આવક ઘટી અને કોરોનાના સામનાનો જંગી ખર્ચ થયો : પ્રજા પર નવા વેરા બોજની સંભાવના : યોજનાઓની સમીક્ષા

રાજકોટ તા. ૭ : ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટની પ્રાથમિક તૈયારી શરૂ થઇ ગઇ છે. દિવાળી પછી વિધિવત તૈયારીને વેગ અપાશે. કોરોના પછી પ્રથમ વખત બજેટ આવી રહ્યું છે તેની સીધી અસર બજેટ પર દેખાશે. સરકારે આ વખતે કરકસરવાળુ બજેટ આપવાની જરૂરીયાત ઉભી થઇ છે. ખર્ચવાળી યોજનાઓ બંધ કરવા અથવા ફેરફાર કરવામાં આવે તેવા નિર્દેષ છે. તાલુકા - જિલ્લા પંચાયતોની ચૂંટણી બજેટ પૂર્વે (ફેબ્રુઆરી સુધીમાં) થઇ જાય તો ત્યાર પછી ૨૦૨૧ના વર્ષમાં કોઇ ચૂંટણી નથી એટલે હળવા - ભારે કરવેરા વધારાની શકયતા નકારાતી નથી.

આ વર્ષે કોરોનાના કારણે સરકારને જી.એસ.ટી.ની આવકમાં ધરખમ ઘટાડો થયો છે. કોરોનાના દર્દીઓની સારવારમાં જંગી ખર્ચ થઇ ગયો છે. આવક ઘટી અને ખર્ચ વધ્યો તેથી રાજ્યના અર્થતંત્રની માઠી દશા થઇ ગઇ છે. કર્મચારીઓના અટકાવેલા આર્થિક હક્ક - હિસ્સા પણ નવા નાણાકીય વર્ષમાં આપવાના થાય છે.

સામાન્ય રીતે સરકાર દર વર્ષે બજેટના કદમાં ૧૦ થી ૨૦ ટકા વધારો કરે છે. આ વખતે કોઇ વધારો ન થાય અથવા નહિવત વધારો થાય તેવી પ્રબળ શકયતા છે. કરકસરના પગલાની અસર બજેટમાં દેખાશે. આત્મનિર્ભર યોજના તેમજ ખેડૂતો માટેના અતિવૃષ્ટિ પેકેજમાં પણ સરકારના રૂપિયા મોટા પ્રમાણમાં વપરાયા છે. કોરોનાલક્ષી સારવાર તેમજ વિવિધ સહાય અને રાહતથી રાજ્યની તિજોરીમાં મોટી અસર દેખાય છે. નવા નાણાકીય વર્ષનું બજેટ તૈયાર કરવામાં સરકારની આકરી કસોટી થઇ જશે તેમ સચિવાલયના વર્તુળો જણાવે છે.

(10:39 am IST)