Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સાયબર ક્રાઇમને ડામવાથી માંડીને અને છેતરાતા બચવા કેવી જાગૃતિ જરૂરી ? જીટીયું દ્વારા ઈ-સેમિનાર યોજાયો

ક્રિમિનલ ટ્રેસિંગ સ્કિલ્સ , ડિલીટ કરાયેલા ડેટાનું વિશ્લેષણ અને તપાસ , સાયબર લૉ , સાયબર ક્રાઇમ્સ લાઇવ રિસ્પોન્સ વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું

અમદાવાદ : સાયબર ક્રાઇમના વધતાં જતાં ગુનાઓને ડામવાથી માંડીને રોજબરોજ છેતરાતાં બચવા માટે પ્રજામાં જાગ્રુતિ કેળવવાના હેતુથી સમગ્ર દેશમાં ઓક્ટોબર માસને સાયબર સિક્યોરીટી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેની ઉજવણીના ભાગ રૂપે જીસેટ દ્વારા આ ઈ-સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઈબર ક્રાઈમને રોકવા માટે રાષ્ટ્રીય પોર્ટલ “cybercrime.gov.in” અને ગુજરાત સરકારની 24×7 હેલ્પ લાઇન નંબર 112ની વિવિઘ સમાજ ઉપયોગી પ્રવૃત્તિ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત સાયબર ક્રાઇમની તપાસ અને ગુનાના સામાન્ય પ્રકારો , ક્રિમિનલ ટ્રેસિંગ સ્કિલ્સ , ડિલીટ કરાયેલા ડેટાનું વિશ્લેષણ અને તપાસ , સાયબર લૉ , સાયબર ક્રાઇમ્સ લાઇવ રિસ્પોન્સ વગેરે જેવા વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા નવી ટેક્નોલોજી અને વર્તમાન પડકારો સંબંધિત ટેક્નોક્રેટ્સ માટે વિવિધ ઈ-સેમિનાર યોજવામાં આવે છે. ટેક્નોલોજીના વપરાશની સાથે – સાથે સાયબર ક્રાઇમનો ખતરો પણ વધી રહ્યો છે. જે સંદર્ભે તાજેતરમાં જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (જીસેટ) દ્વારા આઇએસઇએ પ્રોજેક્ટ ફેઝ -2 અંતર્ગત “સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન એન્ડ એથિકલ હેકિંગ” વિષય પર 6 દિવસીય ઈ-સેમિનાર યોજવામાં આવ્યો હતો

. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને ઈ-સેમિનાર શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય અતિથી તરીકે , સી-ડીએસી હૈદરાબાદના એસોસિયેટ ડિરેક્ટર સી.એચ. એ. એસ. મૂર્તિ , જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર ,જીસેટના ડાયરેક્ટર ડૉ. એસ. ડી. પંચાલ અને વિષય તજજ્ઞો તરીકે અભિષેક ચૌબે અને અંબુજ કુમાર ઉપસ્થિત રહ્યા હતાં.

ઈ-સેમિનારના સફળ સંચાલન બદલ જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠ અને કુલસચિવ કે.એન. ખેર દ્વારા જીસેટના પ્રો. કોમલ બોરીસાગર અને પ્રો. સીમા જોષીને અભિનંદન પાઠવ્યા હતાં.

જીસેટના પ્રોફેસર સીમા જોષીએ જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમમાં ખાસ કરીને કોઇની છબી ખરડવા માટે ફેક એકાઉન્ટ ખોલીને દુરપયોગ કરવો તેમ જ બેકીંગ ટ્રાન્ઝેકશન, નાના બાળકોથી માંડીને સીનીયર સીટીઝનને હેરાન કરવા સહિતના અનેક પ્રકારના સાયબર ગુનાઓ આચરવામાં આવતાં હોય છે. આ ઇ વેબિનારમાં સાયબર ઇન્વેસ્ટીગેશન ડીસ્કશન, કેસ સ્ટડી ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તેમ જ સાયબર અવેરનેસ પર ભાર મૂક્યો હતો. તેમાં ગુનો બને તો તપાસની એક મેથોડોલોજી છે. ડીજીટલ કઇ ઇન્ફર્મેશન કયાંથી મળી શકે વગેરે બાબતે ચર્ચા કરાઇ હતી. આ બાબતે પ્રજાને જાગ્રત કરવાના પણ અનેક વિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ઇ વેબિનારમાં 160 રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ઓર્ગેનાઇઝેશન તેમ જ યુનિવર્સીટીઓએ ભાગ લીધો હતો.

(8:35 am IST)