Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ટ્રાફિક બ્રિગેડના જવાનને જાહેરમાં તમાચા માર્યા બાદ એસીપીએ બે હાથ જોડી માફી માંગી લીધી

ટ્રાફિક જવાને લેખિત ફરિયાદ આપતા એસીપીએ સમગ્ર મામલે સમાધાન કર્યું : પોલીસબેડામાં ચર્ચા

સુરત : એક પોલીસ અધિકારીએ ટ્રાફિક બ્રિગેડના જવાનને કોઈ પણ કારણ વગર તમાચા મારી દેતાં વિવાદ સર્જાયો છે,ટ્રાફિક જવાનને પોતાના હોદ્દાને કારણે દબડાવી દેનારા અધિકારીએ જાહેરમાં તમાચા માર્યા બાદ સમગ્ર મામલે માફી માંગવાનો વારો આવ્યો હતો.સમગ્ર ઘટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર બની હતી

 , પોલીસ વિભાગમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, હાલમાં ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી ચાલી રહી છે, જેમાં ટ્રાફિક વિભાગના અધિકારીઓ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો અલગ અલગ જવાબદારી સંભાળી રહ્યા છે, ત્યારે ટ્રાફિક વિભાગના એસીપી એ પી ચૌહાણે અચાનક પોતાનો પિત્તો ગુમાવી રિયાઝ નામના ટ્રાફિક બ્રિગેડ જવાનને તમાચો મારી દીધો હતો. એસીપી ચૌહાણે શરૂઆતમાં તો પોતાના હોદ્દાની રુએ રિયાઝને દબડાવ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં ટ્રાફિક બ્રિગેડ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને ભરતી માટે આવેલા ઉમેદવારો હાજર હતાં.

 તમાચા ખાધા બાદ રિયાઝ પહેલા તો ચૂપ રહ્યો હતો, જોકે બાદમાં પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતાં પોતાના પિતાને ઘટના અંગે જાણ કરી હતી. રિયાઝના પિતાએ સમગ્ર મામલે લેખિતમાં ટ્રાફિક વિભાગના ડીસીપી પ્રશાંત સુંબેને જાણ કરવા કહ્યું હતું, જેથી રિયાઝે લેખિતમાં ફરિયાદ કરી હતી. એસીપી ચૌહાણને જ્યારે પોતાની વિરુદ્ધ ફરિયાદ થયાનું ખબર પડી એટલે તેમના પગ ધ્રુજવા લાગ્યા હતાં. પોતાની સામેની અરજી કોઈ પણ રીતે રદ્દ થાય એ માટે એસીપી ચૌહાણે દોડધામ કરી હતી. જેમાં રિયાઝને શોધી એસીપી ચૌહાણે બે હાથ જોડી પોતાનાથી ભૂલ થઈ હોવાનું કહી માફી માંગી સમગ્ર મામલે સમાધાન કરી લીધું હતું.

(11:38 pm IST)