Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

એસટી બસમાં સગર્ભાની સફળ ડિલિવરી : ડ્રાઈવરની સમય સૂચકતાથી બચ્યો જીવ

દહેગામથી પોતાના વતન જતી મહિલાને બસમાં પ્રસવ પીડા ઉપડી

અમદાવાદ : એસટી બસના ડ્રાઇવરની સમય સુચકતાથી બસમાં મુસાફરી કરી રહેલી એક મહિલાનો જીવ બચી ગયો હતો. દહેગામથી પોતાના વતન જતી મહિલાને બસમાં પ્રસવ પીડા ઉપડી હતી જેને કારણે બસના ડ્રાઇવરે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બસ ઉભી રાખી મહિલાની બસમાં જ ડિલિવરી કરાવી હતી.

દહેગામથી પોતાના વતન દાહોદના ગરબાડાના દસલા ગામે 20 વર્ષીય સગર્ભા મહિલા બસમાં બેસીને જતી હતી. આ દરમિયાન તેને પ્રસવ પીડા ઉપડતા બસમાં સવાર મુસાફરોએ તેની જાણ તુરંત જ ડ્રાઇવરને કરી હતી. એસટી બસના ડ્રાઇવરે સમય સુચકતા દાખવી મુસાફરો ભરેલી બસને સીધી સરસણ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફ ખસેડી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બસ ઉભી રાખી ડ્રાઇવરે તુરંત તબીબી ટીમને જાણ કરી હતી. આ ટીમની મદદથી તાત્કાલિક બસમાં જ મહિલાની સફળ ડિલિવરી કરવામાં આવી હતી.

સગર્ભા મહિલાને અધુરા માસે ડિલિવરી થતા બાળકનું વજન ઓછુ હોવાથી માતા અને બાળકને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની આયુષ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. એસટી બસના ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે એક મહિલાનો જીવ બચી ગયો હતો જેને કારણે ડ્રાઇવરની પ્રશંસા થઇ રહી છે.

(9:40 pm IST)