Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વાહન ચોરને ઝડપી પાડતી વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ: સિકંદરપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી આરોપીને દબોચ્યો

-- વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સિકંદપુરા ગામના બસ સ્ટેન્ડ પર વોચમાં ગોઠવાઈ ગયા હતા

વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા ગ્રામ્ય પોલીસ અલગ- અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ કરી રહ્યા છે. આ ચેકિંગ અને પેટ્રોલિંગમાં ગ્રામ્ય પોલીસ સાથે એલસીબીની ટીમ પણ સતત કાર્યરત જોવા મળી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ગઈકાલે એલસીબીની ટીમ વાઘોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ટીમના સિદ્વરાજસિંહ સતુભા, શક્તિસિંહ મહેન્દ્રસિંહ અને દેવરાજસિંહ પ્રવિણસિંહને સંયુક્ત પણે બાતમી મળી હતી. તેમને બાતમી મળી હતી કે, એક શખ્શ ચોરીની યામાહા બાઈક લઈને સીકંદરપુરા ગામના બસ સ્ટેન્ડ ઉપર આવનાર છે.

બાતમીમાં જણાવ્યા અનુસાર, વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સિકંદપુરા ગામના બસ સ્ટેન્ડ પર વોચમાં ગોઠવાઈ ગયા હતા. તે દરમિયાન એક શખ્શ  યામાહા બાઈક લઈને નીકળી રહ્યો હતો. બાઈક પર કોઈ રજીસ્ટ્રેશન નંબર લગાવેલો ન હોવાથી પોલીસને તે શંકાસ્પદ જણાઈ આવ્યો હતો. જેની ઈસમને રોકી તેની પૂછપરછ કરી આધાર પુરાવા માંગતા આજથી એક વર્ષે પહેલા સિકંદરપુરા ગામના રસ્તા પર ઉભેલા ઈસમ પાસેથી રૂ.10,000/-માં ખરીદ્યું હોવાનું જણાવ્યું હતું. પુરાવા માંગતા ઈસમે બે દિવસમાં આપી જવા જણાવ્યું હતું. ઈસમના આપેલા જવાબમાંથી એક પણ સંતોષકારક જવાબ ન લાગવાથી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.

આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા બાઈકના એન્જીન નંબરના આધાકે ઈ-ગુજકોપ એપ્લીકેશનમાં ખાત્રી કરવા ચેક કરવામાં આવ્યું હતું. જેમાં આ બાઈકના માલિકનું નામ રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવા (રહે.380,નવી વસાહત આજવા રોડ, વડોદરા શહેર)નું હોવાનું જણાઈ રહ્યું હતું. જેથી પોલીસ દ્વારા રાજુભાઈ વસાવાનો સંપર્ક કરાતા આ બાઈક વડોદરાની ગોલ્ડન ચોકડી ખાતેથી ચોરી થયું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે તપાસ કરતા આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના વિશે જાણ થતા પોલીસ દ્વારા આરોપી નરેશકુમાર જીવણભાઈ પરમાર (રહે.બકરાવાડી, બળીયાદેવ મંદિરની સામે, વણકરવાસ, વડોદરા)ની અટકાયત કરી તેની પાસે રહેલી યામાહાની બાઈક કબ્જે કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી પાસેથી બાઈકની સાથે મોબાઈલ મળીને કુલ રૂ.40,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

(7:18 pm IST)