Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રૂ, 30 લાખની લાંચ માંગનાર એડિશનલ ઈન્કમટેક્ષ કમિશનર સંતોષ કરનાનીને પકડી પાડવા એસીબીની 10 ટીમો બનાવાઈ

-- અમદાવાદનાં એડીશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની વારંવાર તેમની ઓફિસે ફરીયાદીને બોલાવી ખુબ જ મોટુ આર્થિક નુકશાન કરાવવાની વારંવાર ધમકી આપી લાંચની માંગણી કરતો

અમદાવાદમાં કન્સ્ટ્રકશનના વ્યસાય સાથે જોડાયેલા વ્યકિતને ત્યાં ઈન્કમટેક્ષનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંગે કેસ દાખલ કરાતા એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર દ્વારા આ કામના વ્યક્તિ પાસેથી વારંવાર લાંચની માંગ કરવામાં આવતી હતી. જેથી અંતે ફરિયાદીએ કંટાળીને એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીનો સંપર્ક કર્યા બાદ લાંચિયા કમિશનરને રંગેહાથ પકડી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જો કે, છટકા દરમિયાન બીજી ટીમ પહોંચી જતા હોબાળો થતા લાંચિયો કમિશનર ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જેને પકડી પાડવા એસીબી દ્વારા 10-10 ટીમો બનાવવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી લાંચિયો કમિશનર સંતોષ કરનાની પોલીસની પકડથી દૂર છે.

વર્ષ 2021માં કન્સ્ટ્રકશનનો વ્યસાય કરનારા વ્યક્તિના વ્યવસાયના સ્થળે તેમજ તેમના ઘરે અને તેની સાથે કામ કરતા લોકોને ત્યાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સર્ચ દરમ્યાન કબ્જે કરેલ કાગળો તથા કરેલ કાર્યવાહીનાં કાગળોનો એપ્રેઝલ રીપોર્ટ બનાવવામાં આવેલ અને આ કાર્યવાહી બાદ સર્ચ બાબતનો કેસ ઇન્કમટેક્ષ વિભાગ અમદાવાદનાં સેન્ટ્રલ સર્કલ રેન્જ - 1નાં એડીશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની પાસે હતો. જેથી આ ઇન્કમટેક્ષ વિભાગ અમદાવાદનાં એડીશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની વારંવાર તેમની ઓફિસે ફરીયાદીને બોલાવી ખુબ જ મોટુ આર્થિક નુકશાન કરાવવાની વારંવાર ધમકી આપી લાંચની માંગણી કરતો હતા.

3 ઓક્ટોબરના રોજ કમિશનરે આ કામના વ્યક્તિને મળવા બોલાવતા તે પહોંચી ગયો હતો. ત્યાં પહોંચ્યા બાદ કમિશનર દ્વારા મદદ કરવાના ભાગ રૂપે રૂ.30,00,000ની માંગ કરી હતી. તે પૈસા આરોપીએ ફરીયાદીને ધારા નામની કુરીયર ઓફીસ, સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે સાંકેતિક એકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું.

(7:16 pm IST)