Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

દિલ્લીમાં સામૂહિક ધર્માંતરણનો વિડીયો ભાજપ સહપ્રવક્તા ડો. ભરત ડાંગરે શેર કર્યો: આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો

ડો. ભરત ડાંગરે ટ્વીટ કરતા લખ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ શા માટે માત્ર હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરીને ધર્માંતરણ કરાવી રહ્યા છે?

અમદાવાદ :દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ સામૂહિક ધર્માંતરણના એક કાર્યક્રમમાં હાજર રહ્યા હોવાનો વિડીયો ભાજપ સહપ્રવક્તા ભરત ડાંગરે શેર કર્યો છે. જેમાં રાજેન્દ્ર પાલ તમામને શપથ લેવડાવતા પણ નજરે પડે છે. ત્યારે હવે આ વિડીયોને લઈને રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા ભરત ડાંગરે આ વિડીયો શેર કરીને આમ આદમી પાર્ટી સામે અણીયારા સવાલો કર્યા છે. ભરત ડાંગરે ટ્વીટ કરતા લખ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ શા માટે માત્ર હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરીને ધર્માંતરણ કરાવી રહ્યા છે?

  ભાજપના સહપ્રવક્તા ડો.ભરત ડાંગરે ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીની સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. ભરત ડાંગરે ટ્વીટમાં લખ્યું કે, ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી ગણપતિજી, શ્રી બ્રહ્મા-વિષ્ણુ-મહેશને ઈશ્વર નહિ માનવાના અને એની પૂજા નહીં કરવાની સોગંદ લેવડાવતા આમ આદમી પાર્ટીના મંત્રી રાજેન્દ્ર પાલ. આમ આદમી પાર્ટીના નેતાઓ શા માટે માત્ર હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરીને ધર્માંતરણ કરાવી રહ્યા છે? તેમણે વધુમાં કહ્યું કે, શા માટે ગુજરાતની ભોળી જનતાને ભરમાવવા માટે ગુજરાતમાં આપના નેતાઓ મંદિરે મંદિરે જઈ રહ્યા છે?? દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જવાબ આપે. ગુજરાત જાણવા માગે છે.

  આ મામલે મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભરત ડાંગરે શેર કરેલા વિડીયોમાં એક ધર્માંતરણના કાર્યક્રમમાં દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ તમામ લોકોને શપથ લેવડાવી રહ્યા છે. જેમાં તેઓ ભગવાન રામ, કૃષ્ણ, ગણપતિ, બ્રહ્મા-વિષ્ણુ-મહેશને નહિ માનવા અને તેમની પૂજા નહીં કરવાની શપથ લેવડાવી રહ્યા હોવાનું નજરે પડે છે. ત્યારે આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે.

(11:09 pm IST)