Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વડોદરામાં મધ્યરાત્રીએ કિશનવાડીમાં બે બાઈક સામસામે અથડાતા એકનું મૃત્યુ:બે ઈજાગ્રસ્ત

વડોદરા:મોડીરાતે કિશનવાડીમાં બે બાઇક વચ્ચે અકસ્માત થતા ત્રણ મિત્રોને ઇજા થઇ હતી.જે પૈકી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે અટલાદરા વિસ્તારમાં એક  દિવસ  પહેલા થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત આધેડનું ગઇકાલે મોડી રાતે મોત થયું છે.

અટલાદરા ચેક પોસ્ટ પાસે ફોર વ્હીલરના શો રૃમની સામે મૂળ જંબુસરના કલક ગામનો છગન ખુશાલભાઇ પરમાર (ઉ.વ.૫૫) રહેતો હતો.દશ દિવસ પહેલા શો રૃમની સામે રોડ પર અજાણ્યા વાહને ટક્કર મારતા છગનભાઇ પરમારને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જેનું સારવાર દરમિયાન મોડી રાતે એક વાગ્યે મોત થયું હતું.જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે,કિશનવાડી ઝંડા ચોકમાં રહેતો મનોજ બાબુરાવ શિન્દે મજૂરી કામ કરે છે.ગઇકાલે  રાતે મનોજ અને તેના મિત્રો સચિન મેલાભાઇ વાઘેલા અને રાહુલ કાળુભાઇ બારિયા બાઇક લઇને હાઇવે પર નાસ્તો કરવા ગયા હતા.રાતે સાડા બાર વાગ્યે તેઓ ઘરે પરત આવતા હતા.તે સમયે ઘર  પાસે જ સામેથી રોંગ સાઇડ આવતા બાઇક ચાલક મુકેશ બાબુભાઇ સાવંત (રહે.ઝંડા ચોક) ત્રણ સવારી આવ્યો હતો.તેણે સચિનની બાઇક સાથે અકસ્માત કરતા ત્રણેય મિત્રો રોડ પર ફંગોળાયા હતા.આ અકસ્માતમાં મનોજને જમણા હાથના ખભા પર તથા ચહેરા પર સાધારણ ઇજા થઇ હતી.જ્યારે સચિનને ચહેરા  પર તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થઇ હતી.અને રાહુલને માથાના પાછળના ભાગે ઇજા થઇ હતી.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન સચિનનું મોત થયું હતું.પાણીગેટ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:56 pm IST)