Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ખંભાત તાલુકાના ઉંદેલ ગામે જેઠે પરિણીતાને લગ્નેતર સંબંધ બાંધવા દબાણ કરતા પોલીસ ફરિયાદ

આણંદ: ખંભાત તાલુકાના ઉંદેલ ગામની પરિણીતાને ભાવનગર ખાતે રહેતા તેના જેઠે લગ્નેત્તર સંબંધ બાધવા દબાણ કરી મારક હથિયાર વડે જીવલેણ હુમલો કરતા નાનકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે મહિલાની ફરિયાદના આધારે જેઠ વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉંદેલ ગામે ટાવરવાળા ફળીયામાં ભાડાના મકાનમાં રહેતા જીગ્નેશભાઈ પારેખ ધર્મજ ચોકડી ખાતે હેર સલુનની દુકાન ચલાવી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે. તેમના પત્ની ગૃહિણી છે. જીગ્નેશભાઈનો સાવકો ભાઈ  શૈલેષભાઈ રમેશભાઈ જોટંગીયા ભાવનગર ખાતે રહે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ભાવનગર ખાતે રહેતો શૈલેષભાઈ પરીણિતાને અવાર-નવાર ફોન કરીને લગ્નેત્તર સંબંધો રાખવા માટે દબાણ કરતો હતો. જો કે પરીણિતા તેના તાબે થયા ન હતા. દરમ્યાન ગઈકાલે સાંજના સુમારે પરીણિતા પોતાના દિકરા સાથે ઘરે હાજર હતા ત્યારે જેઠ શૈલેષભાઈ જોટંગીયા ત્યાં આવી ચઢ્યો હતો અને પરીણિતાને પોતાની સાથે સંબંધ રાખવા જણાવ્યું હતું. જો કે પરીણિતાએ ના પાડતા શૈલેષભાઈ એકમદ ઉશ્કેરાઈ ગયો હતો અને મારી સાથે સંબંધ નહી રાખે તો તને પતાવી દઈશ તેમ જણાવી ધમકી આપી પોતાની પાસે રાખેલ ધારદાર ચપ્પુ કાઢી પરીણિતા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પરીણિતાને પેટના તથા કમરના ભાગે ચપ્પાના ઘા ઝીંકી દેતા તેઓએ બુમાબુમ કરી હતી. જેથી શૈલેષભાઈ તેણીને ઢસડીને અન્ય રૂમમાં લઈ ગયો હતો. જ્યાં વધુ બુમાબુમ કરતા આસપાસના રહીશો આવી ચઢ્યા હતા. જેથી શૈલેષભાઈ તુ મારી નહી તો કોઈની નહી તેમ કહી તારા ઘરના માણસોને મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલ પરીણિતાને ૧૦૮ મારફતે ખંભાતની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે પરીણિતાએે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શૈલેષભાઈ રમેશભાઈ જોટંગીયા (રહે.ભાવનગર) વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:55 pm IST)