Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

માણસા તાલુકાના ચરાડા ગામે નોકરી પર જતા યુવકની બાઇકને અકસ્માત નડતા એકનું ગંભીર ઇજાથી મોત

માણસા :  માણસા તાલુકાના ચરાડા ગામના ચાર રસ્તા પાસે ગઈકાલે બપોરે પીલુદરા ગામનો યુવક માણસા જીઇબી કચેરીએ નોકરી પર આવી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલા બાઈક સાથે સામસામે ટકરાતા પીલુદરા ના યુવકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું જે બાબતે મૃતકના પિતાએ બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણા તાલુકાના પીલુદરા ગામના વતની અને હાલ માણસા જીઇબી કચેરીમાં નોકરી કરતા ૩૭ વર્ષીય નરેન્દ્રકુમાર મનુભાઈ પરમાર ગઈકાલે બપોરે નિત્યક્ર મુજબ તેમનું બાઈક લઈને માણસા જીઈબી કચેરી પર નોકરી આવવા માટે ઘરેથી નીકળ્યા હતા ત્યારે બપોરના ૩.૩૦ વાગે માણસા તાલુકાના ચરાડા ગામના ચાર રસ્તા પાસે પહોંચ્યા તે વખતે માણસા તરફથી આવી રહેલ બાઈકના ચાલેકે પોતાનું વાહન પૂરઝડપે ચલાવી નરેન્દ્રકુમાર ના બાઈક સાથે ટકરાતા બંને બાઈક સવારો નીચે પટકાયા હતા જેમાં જીઈબીના આ કર્મચારીને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા આજુબાજુથી દોડી આવેલા લોકો દ્વારા તેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઇજાગ્રસ્ત ને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું તો અકસ્માતની જાણ થતા મૃતકના પરિવારજનો પણ માણસા ખાતે દોડી આવ્યા હતા અને બનાવ બાબતે સંપૂર્ણ માહિતી મેળવી મૃતક ના પિતાએ અકસ્માત કરનાર અને ઇજાગ્રસ્ત થયેલ સામેવાળા બાઈક ના ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(4:55 pm IST)