Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રાફડો ફાટયોઃ રાજયમાં પ્રતિ ચોરસ કિલોમીટર ૧૫૧.૪ વાહનો

સુરત પ્રતિ કિમી ૯૫૬ વાહનો સાથે પ્રથમઃ અમદાવાદ ૭૧૪ સાથે બીજ

નવી દિલ્‍હી, તા.૭: સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ સુધીમાં ગુજરાતમાં પ્રતિ ચોરસ કિલોમીટર ૧૫૧.૪ વાહનો છે અને તે માર્ચ ૨૦૧૯ કરતા ૨૨.૮ વધારે છે. વાહનોની ગીચતામાં ત્રણ વર્ષમાં ૧૭ ટકાનો વધારો થયો છે. સુરત જીલ્લામાં વાહનોની ગીચતા સૌથી વધારે છે ત્‍યાં ૯૫૬ વાહન પ્રતિ ચોરસ કિલોમીટર છે અને ત્‍યારપછી ૭૧૪ વાહનો સાથે અમદાવાદ આવે છે.

આ વધારો કન્‍ટ્રોલર અને ઓડીટર જનરલે તેના રિપોર્ટ ‘પર્ફોર્મન્‍સ ઓડીટ ઓફ એર પોલ્‍યુશન કન્‍ટ્રોલ બાય ગવર્નમેન્‍ટ ઓફ ગુજરાત - ૨૦૨૨માં દર્શાવ્‍યો છે. આ રીપોર્ટ દર્શાવે છે કે વાહનોની ગીચતા માર્ચ ૨૦૦૧માં ફકત ૨૮.૪ હતી. જે માર્ચ ૨૦૧૧માં વધીને ૭૩.૫ થઇ હતી. એટલે કે એક દાયકામાં ૧૫૮ ટકાનો વધારો થયો હતો.

૨૦૧૧ થી ૨૦૧૯ દરમ્‍યાન પ્રતિ ચોરસ કીલોમીટર ૫૫ વાહનો એટલે કે ૭૫ ટકા વધીને તે ૧૨૮.૫ વાહનો થઇ હતી. વાહનોના રજીસ્‍ટ્રેશનના આંકડાઓ દર્શાવે છે કે પછીના ૪૦ મહિનામાં આ આંકડો ૨૨ જેટલો એટલે કે ૧૭ ટકા વધ્‍યો છે. આ વધારો ભલે મોટો લાગતો હોય પણ કોરોનાના કારણે વાહનોનું વેચાણ  ઘટયુ છે ખાસ કરીને ટુ વ્‍હીલરમાં.

૨૦૦૦ થી ૨૦૨૨ના ૨૨ વર્ષોમાં રાજયમાં કુલ વાહનો ૫૬ લાખથી વધીને ૨.૯૭ કરોડ રજીસ્‍ટર્ડ થયા છે જે ૪૩૨ ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં ૬૮.૩ લાખ વાહનો નોંધાયો છે તેમાંથી અમદાવાદ એકલામાં ૨૦ લાખ છે. રાજયમાં સૌથી વધારે વાહનો અમદાવાદ જીલ્લામાં છે. ટ્રાન્‍સપોર્ટ વિભાગના એક અધિકારીએ કહ્યું કે રાજયમાં યોગ્‍ય પરિવહન ઇન્‍ફાસ્‍ટ્રકચરના અભાવ હોવાથી ખાનગી વાહનો એક માત્ર વિકલ્‍પ છે અને તેના કારણે વાહનોની સંખ્‍યા ઝડપથી વધી રહી છે.

(1:41 pm IST)