Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

પાદરા પાસેની ઢાઢર નદીમાં મગરે કર્યો યુવાનનો શિકાર ! : તદેહને લઈને મગર 2 કલાક સુધી નદીમાં ફરતો રહ્યો

યુવાને બચવા માટે ખૂબ પ્રયાસો કર્યાં પણ છેવટે જીવ ગુમાવ્યો : મગર દ્વારા યુવકને ખેંચી જતા હોવાની ઘટના લોકોએ કેમેરામાં કેદ કરી

વડોદરા તા.07: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડારાઘુ પાસેથી પસાર થતી ઢાઢર નદીમાં એક યુવાનનો પગ લપસી જતાં નદીમાં પડી ગયો હતો. યુવાન નદીમાં પડતા જ મગર તેને ખેંચી ગયો હતો. યુવાને મગરની ચૂંગાલમાંથી બચવાના ખૂબ પ્રયાસો કર્યાં હતા પણ તેને છેવટે જીવ ગુમાવ્યો હતો. અને સતત બે કલાક સુધી મગર નદીમાં યુવાનના મૃતદેહને લઈને ફરતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ તેનો વીડિયો ઉતારીને વાઇરલ કર્યો હતો.

યુવક પર મગરે હુમલો કર્યા બાદ તેને લોકોની નજર સામે જ નદીમાં લઇ ગયો. જ્યાં પાણીમાં મગરમાં હુમલાથી ક્ષણવારમાં યુવકનું મોત નિપજ્યુ હતુ. પરંતુ મગર દ્વારા યુવકને ખેંચી જતા હોવાની ઘટના લોકોએ નજર સામે જોઈ હતી. અનેક લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. હાલ મગરના શિકારનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પાદરા તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં અસંખ્ય મગર વસવાટ કરે છે. નદીમાં પૂર આવે તો અસંખ્ય મગરો બહાર આવી જાય છે, જેથી લોકોમાં ફફડાટ વ્યાપી જાય છે. અનેકવાર આ નદીમાંથી મગર બહાર આવતા હોય છે, ત્યારે નદી તરફ જવું પણ લોકો માટે જીવનું જોખમ બને છે. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્યના લોકો પશુધન હોય કે પોતાના કામ કાજ માટે ખેતરે જતા હોય, ત્યારે મગર હુમલો કરવાની ઘટના બનતી હોય છે. આ રીતે કેટલાક લોકો જીવ ગુમાવી ચુક્યા છે.

પાદરા તાલુકાના સોખડા રાઘુ ગામેથી પસાર થતી ઢાઢર નદી ગામની નજીકમાંથી પસાર થઈ રહી છે, ત્યારે લોકો નદીના કોઝવે પરથી પસાર થતા લોકો પર મગર હુમલો કરવાની ઘટના બનતી હોઈ છે. ત્યારે આજે વહેલી સવારે એક યુવક પોતાના કામ કાજ માટે નદી પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એક મગરે યુવક પર હુમલો કર્યો હતો. મગરના હુમલાથી યુવક નદીમાં પડી જતા મગર તેને અંદર ખેંચીને લઈ ગયો હતો. મગરની તીક્ષ્‍ણ દાંતમાં ફસાઈને યુવકનુ મોત નિપજ્યુ હતું. ત્યાર બાદ બે કલાક સુધી મગરે યુવકના મૃતદેહ સાથે ખેલ કર્યો હતો.

સમગ્ર મામલે યુવકના શિકારનો વીડિયો વાયરલ થયો છે. સમગ્ર મામલે ગામ લોકોને જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ઘટનાની જાણ વન વિભાગને કરતા વન વિભાગ પણ પહોંચ્યું હતું અને કાર્યવાહો હાથ ધરી હતી. બીજી તરફ ફાયર વિભાગના લાશ્કરો પણ ઘટના સ્થળે પહોંચી યુવકની લાશની શોધખોળ શરૂ કરી છે.

 

(11:55 pm IST)