Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજ્યમાં દારૂ પીને બેફામ વાહનો ચલાવતા ડ્રાઈવરો ઉપર અંકુશ આવશ્યક : અર્જુનભાઈ મોઢવાડિયા

હેવી વાહનનું લાઈસન્સ એટલે કોઈને પણ કચડી નાંખવાનો પરવાનો ગણી શકાય નહીં, કાયદામાં પરિવર્તન જરૂરી

ગાંધીનગર: પાટણ શહેરમાં સર્જાયેલા અકસ્માતના CCTV ફુટેજ શેર કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે બેફામ ટ્રક ચાલકે દુધ સાગર ડેરી (હાંસાપુર)માં નોકરી કરતા આશાસ્પદ યુવાન અજય રામાભાઈ ચૌધરીને કચડી નાંખ્યો હતો. પરિવારે પોતાનો આધારસ્તંભ ગુમાવ્યો છે. મારી સંવેદહના મૃતકના પરિવાર સાથે છે, પરમાત્મા મૃતકના આત્માને શાંતિ આપે!

અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ સવાલ માત્ર એક યુવાન પુરતો નથી. આજે ગુજરાતમાં ચિક્કર દારૂપીને બેફામ હેવી વાહનો ચલાવતા ડ્રાઈવરો માંતેલા સાંઢની માફક અનેક પરિવારોને ઉજાડતા ફરી રહ્યાં છે. છતાં આપણા કાયદાઓ એટલા પાંગળા છે કે કોઈ ડ્રાઈવરોને કોઈ સજા થઈ શકતી નથી.

દારૂ પીવો ગુજરાતમાં ગુનો છે, દારૂ પીને ડ્રાઈવીંગ કરવું સમગ્ર દેશમાં ગુનો છે, શહેરોમાં હેવી વાહનોને પ્રવેશ ઉપર પ્રતિબંધ છે, રાત્રે 11 વાગ્યા પહેલા શહેરી વિસ્તારોમાં ખાનગી હેવી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. છતાં હપ્તા સિસ્ટમના લીધે વાહનચાલકો બેફામ છે. દારૂ પીધેલ હોવા છતાં વાહનો ચાલાવવા દેવામાં આવે છે. શહેરી વિસ્તારમાં હેવી વાહનોને પ્રવેશની મંજુરી નથી છતાં પ્રવેશ આપવામાં આવે છે. પરિણામે આવા વાહન ચાલકો અકસ્માતો સર્જે છે અને નિર્દોષ લોકોના જીવ લે છે. બદલામાં તેમને વધુમાં વધુ બે ચાર મહિનાની સજા થઈ શકે. પણ એ પણ બીજા દિવસે જામીન મળી જાય છે. કારણ કે તેમની પાસે હેવી વાહન ચલાવવાનું લાઈસન્સ છે!

મોઢવાડિયાએ પ્રશ્ન કર્યો હતો કે શું હેવી વાહન ચલાવવાનું લાઈસન્સ એટલે બેફામ રીતે આશાસ્પદ યુવાનોને કચડી નાંખવાનો પરવાનો છે ? જો આપણા કાયદા આટલો પાંગળા છે, તો તેને બદલવાની જરૂર છે. કોઈ વ્યક્તિના જીવન સાથે રમવાનો પરવાનો કોઈ કિમત ઉપર આપી શકાય નહીં!

(11:31 pm IST)