Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

‘’પાંચ વર્ષ જનસુખાકારીના’’ શહેરી જન સુખાકારી દિન’ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા અમદાવાદથી થશે : રૂ. ૫૦૦૧ કરોડની માતબર રકમના લોકાર્પણ, ખાતામુહૂર્ત અને સહાય વિતરણ

રાજ્યની ૮ મહાનગરપાલિકામાં તેમજ ૩૨ જિલ્લામાં એક એમ કુલ ૪૦ જેટલા કાર્યક્રમો યોજાશે: ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તેમજ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા ૪૭૧ કામોના લોકાર્પણ અને ખાતમૂર્હૂત થશે: એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા રાજકોટના વોટર સપ્લાય પ્રોજેક્ટની રૂ. ૩૨૮ કરોડની ગ્રાન્ટ, નગરપાલિકાઓમાં રૂ.૧૦૦ કરોડના વોટર સપ્લાય પ્રોજેક્ટ અને ગ્રીન સીટી સુરતને રૂ. ૩૮ કરોડની ચુકવણી થશે

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી 'પાંચ વર્ષ આપણી સરકારના, ‘’પાંચ વર્ષ સૌના સાથથી સૌના વિકાસના' ના વિષય આધારિત ''જનસેવાલક્ષી યજ્ઞ'' પુરજોશમાં ચાલી રહ્યો છે. કોઈપણ રાજ્યના વિકાસની પ્રાથમિક શરત એ છે કે, તે રાજ્યના લોકોને વિકાસ થકી તેમની રોજબરોજની જિંદગીમાં કેટલી સરળતા અને સુખાકારી આવી ! આ બાબતને આધીન રહીને જો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના કાર્યકાળને મૂલવીએ તો સમજાય છે કે, માળખાકીય સુવિધાઓ, સુંદર-પહોળા રસ્તા, પ્રદુષણમુક્ત ઈ-વાહનોનો પ્રારંભ, ગગનચુંબી ઇમારતો, અનેકવિધ ઓવરબ્રીઝ-અંડરપાસ, દરિયાઈ માર્ગોથી શહેરોને જોડીને સમય-ઇંધણની બચત સહિતના સંખ્યાબંધ જનસુખાકારીના કાર્યો આ સરકારે અસરકારકતાથી કર્યા છે.
છેલ્લા ‘’પાંચ વર્ષ જનસુખાકારીના’’ સહિતના લગભગ તમામ ક્ષેત્રોમાં ગુજરાતની વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલની પ્રગતિશીલ સરકારે દૃઢ રાજકીય ઇચ્છાશક્તિથી અને સંવેદનશીલતાપૂર્વક રીતે પરિણામલક્ષી નિર્ણાયકતા દાખવી જન-જનને પારદર્શક શાસનની પ્રતીતિ કરાવી પ્રગતિશીલતાના પરચમ લહેરાવ્યા છે.
તા. ૭ મી ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ રાજ્યની જનતાની સેવાના ઉમદા ઉદ્દેશ હેતુ વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી તથા નીતિનભાઇ પટેલે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લઈને ગુજરાતના વિકાસ માટેની શાસનધુરા સંભાળી. મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી  નીતિનભાઇ પટેલના જનસેવાના પાંચ વર્ષના કાર્યકાળમાં અતિવૃષ્ટી, અનાવૃષ્ટી, ભૂકંપ અને કોરોના મહામારી જેવી વિકટ સમસ્યાઓ આવી. આ આપત્તિઓમાં નીડર લીડરોના નિર્ણાયક નેતૃત્ત્વ હેઠળ સંવેદનશીલતાપૂર્વક, પારદર્શક પ્રગતિશીલતાના દર્શન લોકોએ કર્યા છે.
દરિયાઈ માર્ગે રાજ્યના બે ભૂ-ભાગને જોડવાના મહત્વાકાંક્ષી કાર્ય અંતર્ગત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું જળમાર્ગોથી જોડાણ "રો-રો કેરી સર્વિસ'' દ્વારા કરીને પશ્ચિમ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગરના ઘોઘા અને દક્ષિણ ગુજરાતના ભરૂચજિલ્લાના દહેજને જળામાર્ગે જોડવાનું મહત્વપૂર્ણ પગલુ ભરવામાં આવ્યું છે. જેના લીધે રોડ માર્ગે ઘોઘાથી દહેજ પહોંચતા લાગતો ૭ કલાકનો સમય ઘટીને ૧ કલાકનો થઈ ગયો ૩૬૦ કિલોમીટરનું અંતર ઘટીને ફક્ત કિલોમીટરનું થઈ ગયું. આ કારણે ૪૮ હજાર એમટી ટન કાર્બન ડાયોકસાઈડના ઉત્સર્જનમાં ઘટાડો થઈ શક્યો છે અને ૧૫,૨૦૨ કિલોલીટર જેટલા ઈંઘણની બચત થઈ શકી છે. પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળવા ઉપરાંત ઉદ્યોગોની નવી તકોનું નિર્માણ થતાં રોજગર-સ્વરોજગારના અવસરો વધ્યા છે. પર્યાવરણ પ્રતિ જાગૃત અભિગમ અંતર્ગત ''ઈ-વ્હીકલ''માટે વર્ષ ૨૦૧૦-૧૧માં ક્લાઈમેટ ચેન્જ વિભાગનું બજેટ રૂ.૧૦૧ કરોડ હતું, જે વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ.૯૧૦ કરોડ ઉપર પહોંચ્યું છે. ધોરણ-૯થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન ખરીદવા માટે રૂ. ૧૨,૦૦૦ની સહાય આપવામાં આવી છે.
ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી-૨૦૨૧ની જાહેરાત કરવાની સાથે રાજયમાં ૫૨૮ ચાર્જિંગ સ્ટેશનોની ઇન્ફાસ્ટ્રકચર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઈ-રીક્ષાની ખરીદી કરવા માટે રૂ. ૫૦,૦૦૦ રૂપિયાની સબસિડી સીધી લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત રૂ.૧૦,૦૦૦ વાહનોને સબસિડી સહાય આપવાનો લક્ષ્યાંક છે. વ્યક્તિગત રીક્ષા ચાલક,મહિલા સાહસિક, યુવા સ્ટાર્ટ અપ સાહસિક,શિક્ષિત બેરોજગાર,વંચિતો, સહકારી મંડળીઓ, દિવ્યાંગ,સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, શૌક્ષણિક સંસ્થાઓને બેટરી આધારીત ત્રિ-ચક્રીવાહન યોજના માટે પ્રાથમિકતા આપવામાં આવી છે.
અમદાવાદ સ્થિત પીરાણા બાયો-માઈનિંગનો અભિનવ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે ૧ કરોડ મેટ્રીક ટનથી વધારે મોટો કચરાનો ઢગલો દૂર કરવા સાયન્ટિફિક એપ્રોચ અપનાવવામાં આવ્યો છે. પ્લાસ્ટિક અને કાપડ વેસ્ટ, ઈનરસેમી કમ્પોસ્ટ અને માટી રોડાના મટીરીયલને વિભાજીત કરી શકે એવા આધુનિક મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે.
બાયો-માઈનિંગ પ્રોસેસથી હવાની ગુણવત્તામાં મોટા પ્રમાણમાં સુધારો જોવા મળ્યો છે. ૩૦૦ મેટ્રીક ટન કેપેસિટીના 3૦થી વધુ ટ્રોમેલ મશીનો અને ૧,૦૦૦ મેટ્રીક ટન કેપેસિટીનું ૧ મશીન કાર્યરત છે. અત્યાર સુધીમાં ૨૪ લાખ મેટ્રીક ટન જેટલો કચરો દૂર કરી ૧૩ એકર જેટલી જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે. પીરાણા ડમ્પસાઈટ લીગાસી વેસ્ટ પ્રોસેસીંગથી બાયો-માઈનિંગની આ કામગીરી ભારતભરમાં એક મોડલ તરીકે સ્વીકારવામાં આવી છે.
પ્રદૂષિત પાણીને પુન:ઉપયોગી બનાવવા માટે ગુજરાતના શહેરી વિસ્તારમાં વૉટર ગ્રીડનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી સ્વચ્છ પાણી ઉપરની ઉઘોગોની નિર્ભરતા ઓછી થઈ શકી છે. અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, સુરત, અંજાર,ગાંધીધામ સહિત ૩૮ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ ચૂક્યા છે. ૭૬૭ એમએલડી ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરનો સફળતાપૂર્વક પુનઃ ઉપયોગ થઈ રહ્યો છે.
''ફાટકમુક્ત ગુજરાત'' ના પ્રોજેક્ટ અંતર્ગત ૭૨ ઓવરબ્રીજના નિર્માણનું કાર્ય રૂ.૩,૦૦૦ કરોડના ખર્ચે પૂરજોશમાં ચાલી રહ્યું છે. કુલ રૂ. ૭,૪૦૦ કરોડના ખર્ચે ગુજરાતને ફાટકમુક્ત બનાવવાનું કામ રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે હાથ ધર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં છેલ્લાં પાંચ વર્ષમાં શહેરી વિસ્તારમાં રૂ. ૫૦૮.૪ કરોડના ખર્ચે ૩૧ રેલવે ફાટકો દૂર કરીને ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવાયા. વળી, મહાનગરપાલિકામાં ૩૬ અને નગરપાલિકાઓમાં 45 ઓવરબ્રીજનું નિર્માણ કરાયું છે. આગામી ટૂંક સમયમાં દેશનું પહેલું ફાટકમુક્ત રાજય બનવા ગુજરાત અગ્રેસર થઇ રહ્યું છે.
કોમન GDCRના અભિનવ વિચાર અંતર્ગત શહેરો-નગરોમાં બાંધકામના સમાન નિયમો ઉપલબ્ધ થતાં રાજ્યના નાગરિકોને રાહત મળી છે. રાજયમાં મહત્તમ ૭૦ મીટર સુધીની ઊંચાઈના બાંધકામને મંજૂરી મળી છે. રાજ્યના શહેરમાં બાંધકામના સમાન નિયમોને મંજૂરી આપનારુ ગુજરાત દેશભરમાં અગ્રેસર બન્યું છે. ૭ મહાનગરપાલિકા, ૧૫ નગરપાલિકાઓમાં સમાન બાંધકામના નિયમો બનાવવામાં આવ્યા છે જયારે તમામ મહાનગરો, શહેરો, નગરપાલિકાઓમાં રસ્તાની પહોળાઈ મુજબ બાંધકામની ઊંચાઈની મંજૂરી અપાઈ છે. દરેક શહેરમાં રહેણાંક ઝોનમાં ૧.૮ એફએસઆઈ વિના મૂલ્યે અપાશે પરિણામે મકાનની કિંમતમાં ઘટાડો થશે.
શહેરોનો સુનિયોજીત વિકાસની કામગીરી અન્વયે ૪૨૫ TP સ્કીમ, ૪૦ DP સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૬ પહેલાં ૨૦૦ TP સ્કીમને મંજૂરી અપાઈ હતી. ૪૦ DP સ્કીમને મંજૂરી મળતા ગુજરાતના નગરોમાં વસતા નાગરિકોને મળતી સવલતોમાં વધારો થયો છે. છેલ્લા ૩ વર્ષમાં ૪૨૫ TP સ્કીમને મંજૂરી મળતા રાજ્યના શહેરોમાં વિકાસની રફતાર વધુ તેજ બની છે. રાજયના શહેરોમાં પાણી, ગટર વ્યવસ્થા, ઉદ્યાનો, ટ્રાફિક વ્યવસ્થાપન, સફાઈ કામગીરી જેવી ઉચ્ચતમ સવલતો પ્રાપ્ત થતાં સુનિયોજિત અને ઝડપી વિકાસ શક્ય બન્યો છે.
હવે ગુજરાતમાં પણ બનશે દુબઇ - સિંગાપોર જેવી ગગનચુંબી ઇમારતો. આ વ્યવસ્થા માટે રાજ્ય સરકારે સ્કાય સ્ક્રેપરની મંજુરીનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યમાં ૨૨-૨૩ માળના ઊંચા મકાનોને સ્થાને હવે ૭૦થી વધુ માળની ઇમારતો બનશે. નવી નીતિથી આઈકોનિક સ્ટ્રકચર નિર્માણનો માર્ગ મોકળો થયો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગરમાં ગગનચુંબી ઈમારતોના બાંધકામને પરવાનગી આપવાનું ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. વર્ટિકલ ડેવલપમેન્ટથી જમીનોની કિંમત સ્વાભાવિક રીતે જ ઓછી થશે અને શહેરના વિસ્તારની સર્વિસ લેન્ડનો મહત્તમ ઉપયોગ શક્ય બનશે.મુંબઈ, દિલ્લી જેવા શહેરોના નિયમોનો અભ્યાસ કર્યા બાદ મંજૂરીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે, તા. ૦૮મી ઓગસ્ટ રવિવારે ‘શહેરી જન સુખાકારી દિન’ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં રૂ. ૫૦૦૧ કરોડની માતબર રકમના લોકાર્પણ, ખાતામુહૂર્ત અને સહાય વિતરણ થશે. શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રાજયની ૦૮ મહાનગર પાલિકાઓ અને ૧૫૬ નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ.૧૦૦૦ કરોડના ચેકનું વિતરણ કરાશે.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તેમજ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા ૪૭૧ કામોના લોકાર્પણ અને ખાતમૂર્હૂત થશે. વર્લ્ડ બેંક દ્વારા અમદાવાદને રૂ. ૩ હજાર કરોડની રકમની સૈદ્ધાંતિક મંજુરી, એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા રાજકોટના વોટર સપ્લાય પ્રોજેક્ટની રૂ. ૩૨૮ કરોડની ગ્રાન્ટ, નગરપાલિકાઓમાં રૂ.૧૦૦ કરોડના વોટર સપ્લાય પ્રોજેક્ટ અને ગ્રીન સીટી સુરતને રૂ. ૩૮ કરોડની ચુકવણી થશે. આ દિવસે રાજ્યની ૮ મહાનગરપાલિકામાં તેમજ ૩૨ જિલ્લામાં એક એમ કુલ ૪૦ જેટલા કાર્યક્રમો યોજાશે.
'પાંચ વર્ષ જનસુખાકારીના'' ની થીમ આધારે રાજ્ય સરકાર જે પ્રજાલક્ષી કાર્યોનો પ્રારંભ તથા પાંચ વર્ષના ઉપલક્ષમાં થયેલા કાર્યોનું લોકાર્પણ કરી ''જનસેવા યજ્ઞ'' કરી રહી છે, જેના ભાગરૂપે એક નવતર અભિગમ ''રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર'' દ્વારા સુએઝ ટ્રીટમેન્ટપ્લાન્ટ દ્વારા ૨૬૦૦ એમએલડી પાણીનો પુનઃ ઉપયોગ શક્ય બનશે. પ્રદૂષિત પાણીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પુન: ઉપયોગી બનાવીને ઉદ્યોગોને પૂરૂ પાડવાનો નવતર અભિગમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. આ સાથે દરેક નગર-નિગમ અને ૧૫૦થી વધુ નગરપાલિકાઓમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપીત કરવામાં આવી રહ્યા છે

(8:05 pm IST)