Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

વિકાસ દિવસ કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યની વણથંભી વિકાસયાત્રા: રાજ્યની જનસુખાકારી માટે એક જ દિવસમાં કુલ રૂ.૫૩૦૦ કરોડના વિકાસ કામોનું ઈ- લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વિદેશમાં વસતા વતનપ્રેમી ગુજરાતીઓની વિકાસમાં સહભાગીતા માટે "વતન પ્રેમ યોજના"ના વેબપોર્ટલનું લોકાર્પણ: રૂ.૨૫૫ કરોડના ખર્ચે ૧૫૧ નવી બસ, પાંચ બસ સ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ર૭૪ વિકાસ કામોના લોકાર્પણ ૭૮ કામોના ખાતમૂહુર્ત સંપન્ન : કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરી પણ વર્ચ્યુઅલ જોડાયા: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ગાંધીનગર ખાતે અને અન્ય મંત્રીઓ વિવિધ જિલ્લામથકોએ સહભાગી થયા

અમદાવાદ :  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજય સરકારને આજે તા.૭ ઑગસ્ટના રોજ પાંચ વર્ષ પૂર્ણ થયા છે. આ વિકાસયાત્રાને જનજન સુધી પહોંચાડવા વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનુ તા.૧લી ઑગસ્ટથી તા.૯મી ઑગસ્ટ દરમિયાન રાજયવ્યાપી આયોજન કરાયુ છે. જે અંતર્ગત આજે “વિકાસ દિવસ” નિમિત્તે રાજ્યનાં વિવિધ સ્થળોએ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. જેમાં રાજ્યની પ્રજાના જનસુખાકારી માટે કુલ રૂ.૫૩૦૦ કરોડના વિકાસ કામોનું મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું

 આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ર૭૪ વિકાસ કામોના લોકાર્પણ ૭૮ કામોના ખાતમૂહુર્ત સંપન્ન થયા હતા. જેમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરી પણ વર્ચ્યુઅલ જોડાયા હતા. આ વેળાએ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ.૨૫૫ કરોડના ખર્ચે ૧૫૧ બસ, પાંચ બસ સ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત "વતન પ્રેમ યોજના"ના વેબપોર્ટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે રાજયના વિકાસને તીવ્ર ગતિએ આગળ ધપાવ્યો છે. રોજગારીનું ક્ષેત્ર હોય કે રિન્યુએબલ એનર્જી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો હોય કે પ્રવાસન ક્ષેત્ર હોય તમામ ક્ષેત્રમાં ગુજરાતે તેજ ગતિએ વિકાસ કર્યો છે અને હજુ પણ અવિરત ગતિએ વિકાસ કરી રહ્યું છે. ગુજરાત રિન્યુએબલ એનર્જીનું હબ બન્યું છે. આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક પણ માંડવી ખાતે ગુજરાતમાં છે. એ જ રીતે દેશમાં ઈન્સ્ટોલ થયેલા કુલ સોલાર રૂફટોપમાં ૯૦ ટકા ઈસ્ટોલેશન સાથે ગુજરાત નંબર-૧ રહ્યું છે. રાજ્યમાં ૨.૬૬ લાખ લોકોએ સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવી છે જેના થકી ૧૦૦૦ મેગાવૉટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ગુજરાતમાં અત્યારે ૧૩,૦૦૦ મેગાવૉટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન થઈ રહ્યું છે જે વર્ષ- ૨૦૨૫ સુધીમાં ૪૧,૦૦૦ મેગાવૉટ સુધી લઈ જવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક છે.
છેલ્લા ૪ વર્ષથી સતત સૌથી વધુ વિદેશી રોકાણ ગુજરાતમાં થયુ છે. કોરોનાની મહામારી હોવા છતાં એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧ દરમિયાન ભારતમાં આવેલા કુલ FDI માંથી ૩૭ ટકા એટલે ૧.૬૨ લાખ કરોડ ગુજરાતમાં આવ્યું છે. રાજ્ય સરકારે MSME ઉદ્યોગોને પણ વિશેષ પ્રોત્સાહન પુરૂ પાડ્યું છે અને તે માટે જ તાજેતરમાં MSME ક્ષેત્રમાં પહેલા પ્રોડકશન પછી પરમિશનની નીતિ અમલમાં મુકી છે. હાલની સ્થિતિએ રાજ્યમાં ૩૦ લાખ જેટલાં MSME ઉદ્યોગો કાર્યરત છે. જેના થકી ૧.પ૦ કરોડ લોકોને રોજગારી મળી રહી છે.
દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાનું કેન્દ્ર (IFSC) ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે કાર્યરત છે. જે દેશના મોડલ સ્માર્ટ સિટી તરીકેની ઓળખ પ્રાપ્ત કરનાર પહેલુ સ્માર્ટ સિટી બન્યું છે. એટલું જ નહીં દેશનું પહેલું આંતરરાષ્ટ્રીય સ્ટોક એકસચેન્જ પણ ગિફ્ટ સિટી ખાતે કાર્યરત છે.
વર્લ્ડ કલાસ ઈન્ફાસ્ટ્રકચર ધરાવતા ગુજરાતમાં થયેલા વિકાસ કાર્યો ઉપર નજર નાખીએ તો, ધોલેરા સ્માર્ટ સિટી, કેવડિયા સ્થિત દુનિયાની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ મોટેરા સ્થિત દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, સુરતમાં વિશ્વનું સૌથી મોટું કોમર્શિયલ કોપ્લેસ ડાયમંડ બુર્સ, ૧૨૧ એકરથી વધુ વિસ્તારમાં તૈયાર થનાર મેડીસિટી હોસ્પિટલ, અમદાવાદ અને સુરત ખાતે મેટ્રોનું નિર્માણ, રાજ્યમાં ૭૦ માળ સુધીની ગગનચૂંબી ઈમારતોના નિર્માણને મંજૂરી, છેલ્લા ૫ વર્ષમાં પ૦૦થી વધુ ઓવરબ્રિજનું નિર્માણ, છેલ્લા પ વર્ષમાં ૪૨૫ TP સ્કીમોને મંજૂરી, દેશમાં સ્વચ્છતામાં ટોપ ૧૦ શહેરોમાં ગુજરાતના ૪ શહેરોનો અને ઈઝ ઓફ લિવિંગમાં ગુજરાતના ૩ શહેરોનો ટોપ-૧૦માં સમાવેશ અને હાઈસ્પીડ ઓપ્ટિકલ ફાઈબર દ્વારા ગુજરાતના ૧૦,૦૦૦ ગામોને બ્રોડબેન્ડ કનેકટીવિટીથી જોડવામાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે.
ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના યોજાયેલા વિકાસ દિવસનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વિકાસના રોલ મોડેલ બની ગયેલા ગુજરાતની સ્પર્ધા હવે વિશ્વ સાથે છે. વિકાસની રાજનીતિની જે પ્રણાલિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રસ્થાપિત કરી છે તે જ પદચિન્હો પર ચાલીને પાંચ વર્ષમાં સૌના સાથ સૌના વિકાસ મંત્રથી જનહિત કામોને દશેદિશાએ વેગવંતા બનાવ્યા છે. અમારી સરકારમાં કોઇ પણ કામની બજેટ જોગવાઇ, ટેન્ડર પ્રસિદ્ધિ, એજન્સી ફિકસ થવી અને ઝડપી-વેળાસર તે કામ પૂર્ણ થાય એવી કાર્યપદ્ધતિ વિકસાવી છે. એટલે જ જેના ખાતમૂહુર્ત અમે કરીયે તેના લોકાર્પણ પણ અમારા સમયમાં જ થાય છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે, કોરોના કાળમાં બધુ સ્થગિત હતું છતાં ગુજરાતમાં વિકાસ કામોની ગતિ આપણે જારી રાખીને આ રૂ. પ૩૦૦ કરોડના કામો સહિત અનેક વિકાસ કામો પૂર્ણ કર્યા છે તે જ જનસેવાની અમારી પ્રતિબદ્ધતા છે. લાઇટ, પાણી, ગટર, રસ્તા જેવી માળખાગત સુવિધાઓના કામોથી આગળ વધી હવે ગુજરાત સ્માર્ટ સિટીઝ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ અને ઇઝ ઓફ લીવીંગ – હેપીનેસ ઇન્ડેક્ષની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. ઊર્જા, કૃષિ, શિક્ષણ, આરોગ્ય, ગરીબ, વંચિત, ખેડૂત હરેક વર્ગના લોકોને આજે વિકાસની અનૂભુતિ થાય, અહેસાસ થાય અને વિકાસમાં સહભાગી થયાનો હર્ષ પણ થાય તેવા જનહિતના પ્રકલ્પો, યોજનાઓ કાર્યો આ સરકારે જનતાને ભેટ આપ્યા છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાતના વિકાસને મળેલી સફળતાનો શ્રેય રાજયના છ કરોડ નાગરિકોના જન સહયોગ અને પ્રજાના આશીર્વાદને આપતા ગાંધીનગર ખાતેથી કહ્યુ કે, દ્રષ્ટિવંત આયોજન થકી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલા સર્વાંગી વિકાસને અમે અવિરત આગળ વધારી રહ્યા છીએ, ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યુ છે. ગુજરાત આજે દેશભરમાં વિકાસનુ રોલ મોડલ પુરવાર થઈ રહ્યુ છે ત્યારે આગામી સમયમાં પણ આપણે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જઈ વિશ્વનુ ઉત્તમ રાજય બનાવવુ છે. એ માટે આપણે સૌ સંકલ્પબધ્ધ બનીને સહયોગથી કામ કરશુ એવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.
તેમણે ઉમેર્યું કે, આજનો દિવસ ગુજરાત માટે ગૌરવનો દિન છે કેમ કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની આપણી રાજય સરકારના સુશાસનને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. પૂજય મહાત્મા ગાંધી, સરદાર સાહેબ અને રવિશંકર મહારાજના ગુજરાતે આઝાદીકાળ અને તે પછીના કાળમાં હંમેશા સૌને મદદ કરી છે અને આજે પણ કરી રહ્યું છે. અમારી ટીમ ગુજરાતે રાજયની અવિરત વિકાસયાત્રાને આગળ વધારી છે જેના પરિણામે રાજયના નાગરિકોનો વિશ્વાસ, પ્રેમ અને આશીર્વાદ અમને સતત મળતા રહ્યા છે. જેના પરિણામે સમગ્ર રાજયમાં અમને સત્તાના સૂત્રો સોંપ્યા છે, એ જ દર્શાવે છે કે પ્રજા અમારા કામોથી સંપૂર્ણ સંતુષ્ટ છે.
નડિયાદ ખાતે વિકાસ દિવસ નિમિત્તે કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્‍યવહાર અને મત્‍સ્‍યોદ્યોગ મંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે, છેલ્લા બે-અઢી દાયકાથી ભાજપ સરકારે વિશ્વાસ સાથે વિકાસના કામોને વેગ આપ્યો છે. ગુજરાતનો સર્વાગી વિકાસ કર્યો દરેક વ્યક્તિ અને સમાજને મહત્તમ લાભ આપ્યો છે. આજે આ કાર્યક્રમમાં નવ વિભાગના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્‍યા છે.નવ દિવસના યોજાયેલા કાર્યક્રમોમાં ગુજરાતની જનતાને તેઓના લાભો રૂબરૂ આપવા અને સરકારની પાંચ વર્ષની કામગીરીનો હિસાબ આપવામાં આવી રહયો છે. આ સરકારે પ્રજાના મનની વાતો જાણી તેમની તકલીફો, મુઝવણો, પીડા અને ઝંખનાઓનો ઉકેલ લાવી પ્રજાજનોની સુખાકારીના અનેક નિર્ણયો લીધા છે. વીજળી, પાણી, કૃષિ, શિક્ષણ જેવા દરેક વિભાગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુજરાતને વિકાસના અગ્રસ્‍થાને લાવી દીધુ છે.સમગ્ર હિન્‍દુસ્‍તાનમાં ગુજરાત ધબકતુ અને ચમકતું રાજય થઇ ગયું છે.
ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમા રાજય સરકારની વિવિધ યોજનાઓનો વ્યાપ રાજયભરમાં હોવાને લીધે પીવાનું પાણી, સિંચાઇ, શિક્ષણ, રસ્તાઓ, રોજગારીની તકોનું નિર્માણ, પ્રવાસન અને ઔદ્યોગિક સહિત સમગ્રતયા વિકાસ થયો છે. રાજયમાં નિર્માણ પામતી વસ્તુઓને વેચાણ દેશ-વિદેશમાં થવા લાગ્યું છે તેથી આર્થિક સમૃધ્ધિ થવા લાગી છે. કુશળ કારીગરોને તાલીમ મળી રહે તે માટે આઇટીઆઇમાં અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. રાજયના યુવાનોને આવડત અને કૌશલ્યને યોગ્ય દિશા મળી છે. ખેડુતોને લાભાર્થે રાજય સરકારે જળ, વીજ કનેકશન મળી રહે તેવું આયોજન કરવામાં આવતા ખેડુતોની આવકમાં વૃધ્ધિ થઇ છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમારે વ્યારા ખાતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અંતરિયાળ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે નક્કર પગલા લીધા છે. મુખ્યમંત્રીના પારદર્શક, પ્રગતિશીલ અને સંવેદનશીલ નિર્ણયોના પરિણામે ગુજરાતમાં આજે ઉદાહરણીય વહીવટ પ્રસ્થાપિત થયો છે. ગુજરાત તમામ ક્ષેત્રે વિકાસની નવીન ઉંચાઇઓ સર કરીને વિકાસનો પર્યાય બની વિશ્વના નકશા પર અંકિત થઇ ગયું છે તેમ જણાવી ઉમેર્યું કે, કુદરતી આપત્તિઓમાં પણ લોકોની ખુમારી અને વિકાસ પ્રત્યેની લગનના લીધે રાજ્યની વિકાસ યાત્રામાં કોઇ બાધ આવી નથી. ગરીબો અને વંચિતોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ તથા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો બનાવી આપવામાં આવે છે.  આગામી વર્ષ ૨૦૨૨ સુધીમાં સમગ્ર રાજ્યમાં આઠ લાખ જેટલા પરિવારોને આવરી લેવાનું સરકારે નક્કર આયોજન કર્યું છે.
રાજયના ગૃહ રાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આણંદ ખાતે વિકાસ દિવસના કાર્યક્રમમાં જણાવ્યુ હતું કે, રાજયની શાંતિ, સલામતિ અને સુરક્ષાને જોઇ દેશ- વિદેશના ઉધોગપતિઓ ગુજરાતમાં રોકાણ કરવા આવે છે જેના લીધે ગુજરાતે ઔધોગિક ક્ષેત્રે પણ હરણફાળ વિકાસ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતને દેશ અને દુનિયામાં ગૌરવ અપાવ્યું છે અને આજે વડાપ્રધાનએ ભારતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. રાજયના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર કામ કરી રહી હોવાનું જણાવી સરકાર રાજયના તમામ નાગરિકોની સુખ-સુવિધામાં વધારો થાય તે માટે રાજય સરકાર કટિબધ્‍ધ છે.
આ ઉપરાંત સાંસદઓ, ધારાસભ્યઓ સહિત અન્ય પદાધિકારીઓ વિવિધ જિલ્લા મથકે ઉપસ્થિત રહ્યા હતા.

(8:03 pm IST)