Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ભાજપના શાસનમાં ગુજરાતનું દેવું ૧૨ હજાર કરોડથી વધી આજે ૩ લાખ ૬૦ હજાર કરોડ સુધી પહોંચ્‍યું - ભાજપના કર આતંકવાદે ગુજરાતના લોકોને ૧ લાખ કરોડના કર ભારણ નીચે દબાવવાનો પ્રયાસ કર્યો છે - વાયદાઓનો વેપાર કરનાર ભાજપ સરકાર દેશ અને રાજ્‍યમાં હોવા છતાં વાયદાઓનું વલણ ચૂકવી શકી નથી - ભાજપના વિકાસના પોકળ દાવાઓને ઉઘાડા પાડવા માટે કોંગ્રેસ પક્ષ જનતાની અદાલતમાં આવ્‍યો છે - પરેશભાઈ ધાનાણી

ભાજપ સરકારની નિષ્‍ફળતા ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજીત રાજ્‍યવ્‍યાપી ‘જનસંપર્ક અભિયાન' અન્વયે ‘વિકાસ કોનો ?' ‘વિકાસખોજ અભિયાન' કાર્યક્રમ અંતર્ગત વિધાનસભા વિરોધપક્ષના નેતાની સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં કતપુર ટોલનાકા ખાતે ઉપસ્‍થિતી

રાજકોટ તા.૭ ભાજપ સરકારની નિષ્‍ફળતા ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજીત રાજ્‍યવ્‍યાપી ‘જનસંપર્ક અભિયાન' અન્વયે ‘વિકાસ કોનો ?' ‘વિકાસખોજ અભિયાન' કાર્યક્રમ અંતર્ગત આજરોજ વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં કતપુર ટોલનાકા ખાતે ઉપસ્‍થિત રહ્‌યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત જાહેર જનતા, કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરોને સંબોધતાં વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષથી ભાજપે ગુજરાતમાં શાસનની ધુરા સંભાળી છે. ગુજરાતને વિનાશની ગર્તામાં ધકેલનાર ભાજપ સરકાર પોતાની નિષ્‍ફળતા છુપાવવા માટે સરકારી તિજોરીમાંથી લૂંટ ચલાવીને તાયફા-ઉત્‍સવ-મહોત્‍સવ થકી ગુજરાતની લાગણીશીલ પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે ત્‍યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રીમોટ કન્‍ટ્રોલથી ચાલતી રૂપાણી સરકારની નિષ્‍ફળતાના નવ નોરતા ઉજવવાનું એલાન કરવામાં આવ્‍યું છે, જે પૈકી આજે નિષ્‍ફળતાના સાતમા નોરતે આપણે સહુ ‘વાયદા ઉઘરાણી દિવસ' સાબરકાંઠાના આંગણે ઉજવી રહ્‌યા છીએ ત્‍યારે ‘વિનાશ રોકો' દિવસનો સંકલ્‍પ આજે આપણે સહુએ કરવાનો છે.

શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, એકબાજુ પ્રજાની પરસેવાની કમાણીનો વ્‍યય થતો જાય છે અને બીજીબાજુ આપણા સહુનું ગુજરાત અધોગતિ તરફ ધકેલાતું જાય છે. ભાજપના શાસનમાં ગુજરાતનું દેવું ૧૨ હજાર કરોડથી શરૂ થઈને આજે ૩ લાખ ૬૦ હજાર કરોડ સુધી પહોંચ્‍યું છે. વર્ષ ૨૦૦૨માં ગુજરાતની પ્રજા પર વાર્ષિક ૭ હજાર કરોડનું કર ભારણ હતું, આજે ભાજપના કર આતંકવાદે ગુજરાતના લોકોને ૧ લાખ કરોડના કર ભારણ નીચે દબાવવાનો પ્રયાસ કર્યો છે. એકતરફ રાજ્‍યનું દેવું વધી રહયું છે, લોકો ઉપર કરવેરાનું ભારણ વધી રહ્‌યું છે, રાજ્‍યની તિજોરી ઉપર વાર્ષિક ૨૪ હજાર કરોડ રૂપિયાના વ્‍યાજનો બોજ વધી રહ્‌યો છે અને બીજી તરફ વર્ષોથી ચાલતી કેટલીય સરકારી શાળાઓને તાળા મારવામાં આવ્‍યા છે, શાળાઓ બંધ કરવામાં આવી. આજે ગુજરાતના ગામડાનો, દલિતનો, પછાતનો, આદિવાસીનો, ગરીબ વર્ગનો, મધ્‍યમ વર્ગનો દીકરો ખાનગી શાળામાં જાય તો તેણે ફી માફીયાઓનો ભોગ બનવું પડે છે.

વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આજે ભાજપના કાલ્‍પનિક વિકાસનો પરપોટો ફૂટી ગયો છે. ગુજરાતના ૧૮ હજાર ગામડાઓ હવે કહેતા થયા છે કે, ભાજપનો વિકાસ ગાંડો થયો છે, ભાજપનો વિકાસ આંધળો છે, ભાજપનો વિકાસ બહેરો છે. ભાજપનો વિકાસ કાને સંભળાય છે પરંતુ નજરે કોઈને દેખાતો નથી. ગુજરાતની જનતાને ભાજપના વિકાસનો અહેસાસ થતો નથી. વાયદાઓનો વેપાર કરનાર ભાજપ સરકાર દેશ અને રાજ્‍યમાં હોવા છતાં વાયદાઓનું વલણ ચૂકવી શકી નથી ત્‍યારે ‘શુદ્ધ વિકાસ દિવસ-વાયદાઓની ઉઘરાણી દિવસ'નો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ કરી રહ્‌યો છે.

શ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ભાજપના દાવાઓ સાવ પોકળ સાબિત થયા છે. ભાજપના રાજમાં ઈન્‍ફોસીટી છે પરંતુ ટેકનોલોજી નથી, ગીફટ સીટી છે પરંતુ રોકાણકારો નથી, સ્‍માર્ટ સીટી છે પરંતુ ટ્રાફિક અને રખડતા ઢોરોની રંજાડ છે, શહેરોના રસ્‍તાઓમાં પડતા ભુવાથી સામાન્‍ય માણસ પરેશાન છે. સોલાર સીટી છે પરંતુ ગામડાઓમાં અંધકાર છે. ધોલેરા સરમાં બાવળીયાઓનું જંગલ ઉગી નીકળ્‍યું છે ત્‍યારે ભાજપના વિકાસના પોકળ દાવાઓને ઉઘાડા પાડવા માટે કોંગ્રેસ પક્ષ જનતાની અદાલતમાં આવ્‍યો છે.

(6:30 pm IST)