Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ગાંધીનગર: ડભોડા પોલીસની ટીમે બાતમીના આધારે રણાસણમાં દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ડભોડા પોલીસની ટીમે બાતમીના આધારે રણાસણમાં દરોડો પાડીને વિદેશી દારૃની મસમોટું કટીંગ ઝડપી લીધું હતું. દારૃ ભરેલું કન્ટેનર સહિત સાત જેટલા વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા અને ૩૬ લાખના દારૃ સાથે કુલ ૬૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી રણાસણના ત્રણ શખસો સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો દાખલ કરીને અન્ય આરોપીઓની શોધખોળ શરૃ કરી છે.   

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસ બાતમીદારોને સક્રિય કરી આવા ઠેકાણા ઉપર દરોડા પાડી રહી છે. ત્યારે ડભોડા પોલીસ મથકના પીએઅસાઈ એ.એ.વછેટાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાનમાં પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે રણાસણ ગામની સીમમાં બાલાપીર દરગાહની બાજુમાં રહેતો વિપુલ રમેશજી ઠાકોરચિરાગ રમેશજી ઠાકોર અને નિકુલ રમેશજી ઠાકોર તેના ઘરની બાજુમાં વિદેશી દારૃનો જથ્થો મંગાવી અન્ય સાગરીતો સાથે અન્ય વાહનોમાં તે દારૃનું કટીંગ કરાવી રહયો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડતાં અલગ અલગ સાત વાહનો મળી આવ્યા હતા જયારે આરોપીઓે ત્યાંથી અંધારાનો લાભ લઈ નાસી છુટયા હતા. પોલીસે વિદેશી દારૃની ૧૦૭૧૬ બોટલ કબ્જે કરી હતી. જયારે ર૯.૨૦ લાખના વાહનો પણ જપ્ત કરી લીધા હતા. કુલ ૬૫.૫૮ લાખનો મુદ્દામાલ સીઝ કરીને ત્રણેય આરોપીઓની શોધખોળ આદરી હતી. કટીંગ માટે અન્ય કોણ કોણ સામેલ હતું તે શોધવા માટે પણ પોલીસે મથામણ શરૃ કરી છે. છેલ્લા ઘણા સમય બાદ વિદેશી દારૃનું મસમોટુ કટીંગ પકડવામાં પોલીસને સફળતા મળી છે. 

(5:13 pm IST)