Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મહિસાગર જીલ્લા ભાજપના કારોબારી સભ્‍ય અને તેના પત્‍નીની હત્‍યા કેસ મુદ્દે હજુ પોલીસને કોઇ માહિતી ન મળીઃ આરોપીઓને શોધીને કડક સજા આપવા ભાજપની માંગણી

અંગત અદાવત અથવા નાણાની લેતીદેતી કારણભૂત હોવાની શક્‍યતા

મહિસાગર: જિલ્લાના ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નિની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ડબલ મર્ડરની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા ઈસમો દ્વારા વૃદ્ધ દંપતિની હત્યા કરવાની ઘટનામાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.મહીસાગર જિલ્લાના ગોલાના પાલ્લા ગામે રહેતા અને નિવૃત જીવન ગાળી રહેલ પંચાલ દંપતીની ગત રાત્રીના સુમારે હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના બનવા પામી છે. ગોલાના પાલ્લા ગામે રહેતા ત્રિભોવનદાસ પંચાલ ઉ.વ.77 અને તેમના ધર્મપત્નિ જશોદાબેન પંચાલ ઉ.વ.70 પોતાનું નિવૃત જીવન ગાળી રહ્યા હતા. ત્રિભોવનદાસ મહિસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં કારોબારી સભ્ય પણ હોદ્દો ધરાવતા હતા, તેઓના 3 પુત્રો છે. જે પૈકી એક પુત્રનું કોરોનાને લઈને થોડા સમય પહેલા જ અવસાન થયું હતું. જ્યારે અન્ય બે પુત્રો પૈકી એક પુત્ર આણંદ ખાતે તબીબ છે. જયારે અન્ય પુત્ર વિદેશ રહે છે. ગત રાત્રીના સમયે વૃદ્ધ ત્રિભોવનદાસ  પંચાલ અને તેમના પત્નિ જમી રહ્યા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ બુમ પાડીને વૃદ્ધ ત્રિભોવનદાસને બહાર બોલાવ્યા હતા.

જેથી તેઓ ઘરની બહાર આવી ઘરના કમ્પાઉન્ડ વોલ પાસે આવેલ લોખંડના દરવાજાનું તાળું ખોલી પરત ઘર તરફ આવતા હતા. તે દરમિયાન તેઓને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી 3 ઉપરાંત ઘા મારી હુમલો કરી હત્યા નિપજાવી હતી. દરમિયાન ઘર બહાર થયેલ હિલચાલને લઈને તેમના પત્નિ ઘર બહાર આવતા હતા તે વખતે જ તેમને પણ તેઓ ઘરની બહાર આવે તે પહેલાં જ તેમને પણ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના માથાના ભાગે ઘા મારી જીવલેણ હુમલો કરી તેમનું પણ મોત નિપજાવી અજાણ્યા હત્યારાઓ ફરાર થઈ જવા પામ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ  સવારે દૂધ ભરવા માટે જતા લોકોએ તેઓના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ જોતા થઈ હતી. બનાવની જાણ લુણાવાડા પોલીસને કરતા પોલીસ સહિત ભાજપના જિલ્લા પ્રમુખ દશરથ બારીયા તેમજ સ્થાનિક ધારાસભ્ય જીગ્નેશ સેવક સહિત ભાજપના કાર્યકરો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.

લુણાવાડા પોલીસ મથકની હદમાં આવેલા ગોલાના પાલ્લા ગામે થયેલ ડબલ મર્ડરની હત્યાને લઈને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ડોગ સ્કોવડ અને એફ એસ એલની મદદ મેળવી હત્યારાઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહોને પી.એમ માટે લુણાવાડા ખાતે ખસેડાયા હતા. જ્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા કરવામાં ન આવી હોવાનું પણ સામે આવ્યું છે, તપાસ દરમિયાન ઘરમાં રાખવામાં આવેલ રોકડ રકમ તેમજ અન્ય સોના ચાંદીના દાગીના પણ સલામત મળી આવ્યા હતા ત્યારે પોલીસ અનુમાન લગાવી રહી છે કે આ હત્યા કોઈ અંગત અદાવત અથવા તો નાણાંની લેતી દેતી મામલે હત્યાને અંજામ આપવામાં આવ્યો હોઈ શકે છે.

(4:39 pm IST)