Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

સ્‍વીટી પટેલ મર્ડર કેસમાં 40થી વધુ દિવસ સુધી ભેદ ન ઉકેલી શકનાર વડોદરાના કરજણ પોલીસ સ્‍ટેશનના અધિકારીઓ શંકાના દાયરામાં: ખાતાકીય તપાસ થવાના એંધાણ

અજય દેસાઇ અને કિરીટસિંહને કોર્ટમાં રજુ કરાશે

વડોદરા: સ્વીટી પટેલ મર્ડર કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. કરજણમાં સ્વીટી પટેલ હત્યા કેસના મામલામાં કરજણના પોલીસ અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો છે. 40 થી વધુ દિવસ સુધી ભેદ ઉકેલી ન શકનાર કરજણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે. ત્યારે તેમના પર ખાતાકીય તપાસ થઈ શકે છે.

કરજણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે ખાતાકીય તપાસ

સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ કરનારા અધિકારીઓ સામે તવાઈ આવશે. કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એ પટેલ સામે ખાતાકીય તપાસ થઈ શકે છે. ડભોઈ ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી સામે પણ ખાતાકીય તપાસ થઈ શકે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરજણ પીઆઈ સહિત કરજણ પોલીસ સ્ટેશનના જવાનોની પૂછપરછ કરાશે. ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ કરેલી તપાસ શંકાના દાયરામાં છે.

અજય દેસાઈ અને કિરીટસિંહને કોર્ટમા રજૂ કરાશે

તો બીજી તરફ, સ્વીટી પટેલની હત્યાનો મુખ્ય આરોપી પીઆઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાના આજે રિમાન્ડ પૂરા થતા બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તો બીજી તરફ, સ્વીટીના ભાઈ જયદીપે અજય દેસાઈ અને કિરીટસિંહના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માંગ કરી છે. તેમજ તેણે સ્વીટીના દોઢ વર્ષના દીકરાનો કબજો મેળવવા પણ માંગ કરી છે.

હજી FSL નો રિપોર્ટ આવવાનો બાકી

પોલીસ હજી પણ FSLના રિપોર્ટની રાહ જોઇ રહી છે. પોલીસે પીઆઇના એસડીએસ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યા હતા, જ્યારે સ્વીટી પટેલના હાડકા તથા સ્વીટીના બાળકના સેમ્પલ લઇને ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યા હતા, પણ હજી સુધી પોલીસ આ મહત્વના કહી શકાય તેવા FSLના રિપોર્ટ સમયસર મેળવી શકી નથી. બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટાલી ખાતે કરાયેલા રિકસ્ટ્રક્શન દરમિયાન ખાડામાંથી 4 હાડકાં મેળવ્યાં હતા, તે હાડકાંનો રિપોર્ટ પણ હજી આવ્યો નથી.

(4:39 pm IST)