Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

અમદાવાદની યુવતિને લગ્નના બીજા જ દિવસથી દુબઇમાં સાસરીયાઓ દ્વારા ત્રાસઃ પિતા પાસે 9 કરોડ લાવવા દબાણઃ જબરદસ્‍તીથી ગર્ભપાત કરાવ્‍યો-મર્સિડીઝ કારની માંગણી કરી

કંટાળેલી યુવતિ પિયરમાં આવી ગઇ અને પોલીસ ફરિયાદ કરી

અમદાવાદ: લગ્ન કરીને વિદેશમાં સેટલ થવાની લ્હાયમાં યુવતીઓ અને તેનો પરિવાર એવી સમસ્યાઓમાં ફસાઈ જાય છે કે પાછળથી પસ્તાવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો લગ્ન કરીને દૂબઈ ગયેલી યુવતી સાથે બન્યો છે. પતિ સાથે દૂબઈ ગયેલી યુવતીને લગ્નના બીજા જ દિવસે માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયુ હતું. તેમજ તેને પિયરથી 9 કરોડ રૂપિયા અને મર્સિડીઝ ગાડી લાવવા દબાણ કરાયુ હતું. ત્યારે અમદાવાદની આ યુવતીએ પોતાના પતિ અને સાસરીયા સામે ફરિયાદ દાખલ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની યુવતી અને તેના પરિવારજનોએ દૂબઈમાં રહેતા પતિ, સાસુ અને સસરા સામે પોલીસ ફરિયાદ કરી છે. અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના રાજપથ ક્લબની પાછળ શિવાલિક બંગલોઝ આવ્યો છે. આ બંગલોમાં રહેતા પરિવારની દીકરીના લગ્ન મૂળ દિલ્હી-હરિયાણમાં રહેતા અને હાલ દૂબઈ સેટલ્ડ થયેલા સુખી સંપન્ન પરિવારના દીકરા સાથે થયા હતા. મેટ્રિમોનિયલ સાઈટ પર એકબીજાની પસંદગી કરાઈ હતી. 2019 ના વર્ષે લગ્ન થયા હતા. તેના બાદ યુવતી દૂબઈમાં રહેતા સાસરીમાં રહેતી હતી.

લગ્નના બીજા જ દિવસે સાસરીવાળાઓએ પોતાનો રંગ બતાવવાનુ શરૂ કર્યુ હતું. લગ્નના બીજા દિવસે પતિ સહિતના સાસરીવાળાઓએ વાત કરવાનુ ઓછુ કર્યું હતુ. તેમજ તેના બાદ તેની પાસેથી દહેજના રૂપિયાની માંગણી કરવામા આવી હતી. યુવતીને તેના પિતા સાથે 9 કરોડ રૂપિયા લઈ આવવાની માંગણી પતિ તથા સાસરીવાળા તરફથી કરવામાં આવી હતી. બીજી તરફ, યુવતીના પરિવારજનોએ તપાસ કરતા જાણવા મળ્યું કે, તેની પતિએ મેટ્રિમોનિયલ સાઈટ પર પોતાનો અભ્યાસ અને આવકની બતાવેલી માહિતી પણ ખોટી હતી. તેણે દૂબઈની કરન્સી મુજબ ત્રણ લાખ દિરહામ આવક બતાવી હતી. જે ખોટી હતી.

આ વચ્ચે પરિણીતા ગર્ભવતી રહેતા તેને હાલ બાળકની જરૂર નથી તેવુ કહેવામાં આવ્યુ હતું. સાસરીવાળાઓએ જબરદસ્તી કરીને તેનો ગર્ભપાત કરાવ્યો હતો. આ વચ્ચે લગ્નની એક વર્ષની તિથિએ પતિ દ્વારા મર્સિડિઝ કારની માંગણી કરવામાં આવી હતી. ત્યારે આખરી યુવતી કંટાળીને અમદાવાદમાં પોતાના પિયરમાં આવી ગઈ હતી. જેના બાદ તેના પરિવારજનોએ અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઁધાવી હતી. 

(4:38 pm IST)