Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

વડોદરાના ફતેપુરા જવાના રસતા ઉપર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણી રસ્‍તાઓ ઉપર વહ્યુઃ વગર વરસાદે વરસાદ પડયો હોય તેવી સ્‍થિતિ સર્જાઇ

કોન્‍ટ્રાક્‍ટરો સમસ્‍યાનું કાયમ નિરાકરણ કરવાના બદલે ખર્ચાના બીલો રજુ કરે છેઃ કોંગ્રેસ નેતા નિલેશ બ્રહ્મભટ્ટના આક્ષેપો

વડોદરા: વડોદરાના સંગમ ચાર રસ્તાથી ફતેપુરા જવાના રસ્તા ઉપર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લિટર પીવાનું પાણી વહી ગયું. વગર વરસાદે વરસાદ પડ્યો હોય તેવી સ્થિતી થઇ ગઇ અને રોડ પર પાણી જ પાણી જોવા મળ્યું. શહેરમાં અવારનવાર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થાય છે જેના કરોડો લિટર પીવાના પાણીનો વ્યય થાય છે.

વડોદરામાં એક તરફ લોકોને પીવાનું પાણી મળતું નથી અને બીજી તરફ છાશવારે પાણીની લાઇનમાં સર્જાતા ભંગાણના કારણે કરોડો ગેલન પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. આજે સંગમ ચાર રસ્તા પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડતાં લાખો લિટર પીવાનું પાણી વેડફાઈ ગયું હતું. રોડ પાણીથી રેલમછેલ થતાં વાહનો લઈને પસાર થતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

કોંગ્રેસ નેતા નિલેશભાઈ બ્રહ્મભટ્ટે સ્થળ પર પહોંચી પાણીનો વેડફાટ તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, પાણીની લાઇન લીકેજ મરામતનો રિયા કન્ટ્રક્શન વાર્ષિક ઈજારો ધરાવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા હવે જેસીબી દ્વારા ખાડો ખોદી લિકેઝનું સોલ્યુશન કરી ફરી પુરાણ કરાશે. પરંતુ પુરાણ કરવાની પદ્ધતિના પગલે ફરી છ મહિના બાદ આ સ્થળે લીકેજ સર્જાશે. કોન્ટ્રાક્ટરો સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે પ્રકારની કામગીરી નહીં કરી ખર્ચાના બીલો રજુ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

(4:36 pm IST)