Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાઈનો નાનકડો દાણો જીવલેણ બન્યો : એક જ પરિવારના ૩ લોકોનો જીવ લીધો

બનાસકાંઠાના ધાનેરાના કુંડી ગામે ૧૦ દિવસ પહેલા ૭ લોકોને ફૂડ પોઇઝનની અસર થયેલ : એપેડમિક ડ્રોપ્સી રોગથી તમામ લોકોના મોત

બનાસકાંઠા,તા.૭: બનાસકાંઠાના ધાનેરાના કુંડી ગામે ૭ લોકોને ફૂડ પોઇઝનની અસર થવાની ઘટના બની છે. સતત ૧૦ દિવસની સારવાર બાદ ૩ લોકોના મોત નિપજયા છે. તો ત્રણ ગંભીર લોકોને સારવાર માટે અમદાવાદમાં ખસેડાયા છે. ૧૦ દિવસ પહેલા ખાધા ખોરાકીમાં કઈક આવી જતા તમામ લોકોને ફૂડ પોઇઝનની અસર થઈ હતી. જેથી એપેડમિક ડ્રોપ્સી રોગથી તમામ લોકોના મોત નિપજયા છે.

કુંડી ગામમાં દસ દિવસ પહેલા એક જ ઘરના વડીલ છગનલાલ પુરોહિત અને નવીનભાઈ પુરોહિત તેમજ દીકરી દક્ષા પુરોહિતનું મોત થયું છે. આ ઘટનાથી સમગ્ર પુરોહિત સમાજમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. પુરોહિત પરિવાના ૩ લોકોના મોત થતાં ગામમાં શોક છવાયો છે.

આ તમામ મોત એપેડમિક ડ્રોપ્સી રોગથી થયાનું અનુમાન છે. રાઈના છોડ સાથે દારૂડીનો છોડ ભળી જતા શરીરમાં પોઈઝન પેદા થતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેને એપેડમિક ડ્રોપ્સી કહેવાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એપિડેમિક ડ્રોપ્સીના કેસ ના વધે તે માટે ખેતીવાડી વિભાગે અને ગ્રામસેવકોએ ખેડૂતોને જાગૃત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. કારણ કે, અગાઉ પણ આ જ રીતે ગુંદરી ગામના ૩ લોકોના મોત થયા હતા. સાથે ખેડૂતોને શુદ્ઘતાના પ્રમાણપત્ર વગર રાઈનું તેલ ન ખાવા પણ સૂચના આપી છે.

એપિડેમિક ડ્રોપ્સી રાઈનું તેલ કાઢતા પહેલા રાઈના છોડ સાથે રાઈ જેવા જ લાગતા દારૂડી નામના જંગલી વનસ્પતિના બીજની ભેળસેળના કારણે બીમારી થાય છે. એપિડેમિક ડ્રોપ્સીના કારણે વ્યકિતના બંને પગમાં સોજો આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ઝામર અને હ્રદયની તકલીફ થાય છે. આ તકલીફ વધતા લોકો મોતને ભેટે છે. 

(3:04 pm IST)