Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

રાજ્યમાં બેરોજગારી આંકડાની માયાજાળમા અટવાઈ સરકાર

૧૫ જિલ્લામાં બે વર્ષમા એક પણ સરકારી નોકરી ન આપી : સરકારના લાખોને નોકરી આપવાના, ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા

ગાંધીનગર, તા. ૭ : ગુજરાત ૩.૫ ટકાના સૌથી ઓછી બેરોજગારી દર સાથે દેશમાં રોજગારી આપવામાં મોખરે છે. આ ઉપરાંત તાજેતરના બજેટમાં નોકરીની જાહેરાતો કરાઈ હતી. પણ લાગે છે કે રાજ્ય સરકારના આ દાવા પોકળ સાબિત કરવા માટે ગૃહમાં રજૂ કરાયેલા બેરોજગારીની આંકડા પૂરતા છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાના સત્રમાં જે આંકડા આપવામા આવ્યા છે તે ચોંકાવનારા છે. રાજ્યમાં આજે પણ લાખો યુવાનો આજે પણ શિક્ષિત બેરોજગાર છે.

 કોગ્રસના ધારાસભ્યોએ પુછેલા સવાલમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે. જેમાં આંકડા અનુસાર, રાજ્યમાં ૩,૯૨,૪૧૮ શિક્ષિત બેરોજગાર અને ૨૦,૫૬૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૪,૧૨,૯૮૫ બેરોજગારો નોંધાયેલા છે. બે વર્ષમાં  માત્ર ૧૭૭૭ બેરોજગારોને સરકારી નોકરી આપવામાં આવી છે. બે વર્ષમાં રાજ્યના મહીસાગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, ભરૂચ, જૂનાગઢ, અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, દાહોદ, વલસાડ, તાપી અને ડાંગ મળીને ૧૫ જિલ્લાઓમાં એક પણ સરકારી નોકરી આપવામાં આવી નથી. રાજ્ય સરકારના લાખોને નોકરી આપવાના અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા છે.

સરકાર ભલે ઓન પેપર બેરોજગારીનો આંકડો દર્શાવતી હોય, પણ હકીકત તો એ છે કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં અનેક વિભાગોમાં સરકારી ભરતી અટકી છે. પરીક્ષાના વિવાદ તથા પરીક્ષામાં અનિયમિતતાને કારણે આ ભરતી અટકી પડી છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં એકપણ વ્યક્તિને સરકારી રોજગારી આપવામાં આવી નથી. શિક્ષિત બેરોજગારોની સંખ્યા અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૩૦ હજાર ૧૯૨ છે. આ સાથે અમદાવાદમાં ૩ હજાર ૮૭૧ અર્ધ શિક્ષિત બેરોજગારો છે. જેમાં છેલ્લા

બે વર્ષમાં અમદાવાદમાંથી ૯૦ હજાર ૭૪૯ને ખાનગી રોજગારી પૂરી પાડવામાં આવી . પરંતુ એકપણને સરકારી રોજગારી આપવામાં આવી નથી. છેલ્લા બે વર્ષમાં ભાવનગરમાંથી સૌથી વધુ ૨૭૬, મહેસાણામાંથી ૨૪૮, બનાસકાંઠામાંથી ૧૮૦, ગીર સોમનાથમાંથી ૧૭૩ને સરકારી રોજગારી આપવામાં આવી.

બેરોજગારીના આંકડા સામે છે, છતા પણ ગુજરાત ૩.૫ ટકાના સૌથી ઓછી બેરોજગારી દર સાથે દેશમાં રોજગારી આપવામાં મોખરે છે તેવો સરકારનો દાવો છે. ત્યારે આ ટકાવારી બેરોજગારીના આંકડાથી સાવ વિપરીત છે. આંકડા બતાવે છે કે, સરકારી દાવા સાવ પોકળ સાબિત થયા છે.

સાથે જ વિધાનસભા સત્રમાં વર્ષ ૨૦૧૯ માં અમદાવાદ શહેર અને જિલ્લાની ૨૦ કંપનીઓએ સ્થાનિક બેરોજગારોને રોજગારી ન આપી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેમા અનેક કંપનીઓના નામ છે. જેમાં અરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ઓએનજીસી, સેન્ટ્રલ વેર હાઉસીંગ કોર્પોરેશન, મેટસો મિનરલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, શ્રીપ્રીફેબ સ્ટીલ, ફોર્ડ ઈન્ડિયા લિમિટેડ, નિવ્યા ઈન્ડિયા લિમિટેડ, કોલગેટ પામોલીવ, હોન્ડા મોટર્સ, સુઝીકી મોટર્સ, ઈન્ડિયન એક્સપેલર વર્કસ, ટેકનો ઈન્ડસ્ટ્રીઝ, વાલેઓ ઈન્ડિયા, એઆઈએ એન્જિનિયરીંગ, ડાયમંડ ટેક્સટાઇલ્સ, ગ્રાઝીયા ટ્રાન્સમિશન, કોમલ ટેક્સફેબ, સુશેન મેડી, અને લા ગજ્જર મશીનરીએ સ્થાનિક બે રોજગારોને રોજગાર ન આપ્યો.   સરકારે પણ આ મામલે કોઈ એક્શન ન લીધું. માત્ર પત્ર પાઠવી સ્થાનિક બેરોજગારોને રોજગારી આપવા ધ્યાન દોરી સંતોષ માન્યો હતો.

(9:52 pm IST)