Gujarati News

Gujarati News

News of Sunday, 7th March 2021

સુરતથી મુંબઇ પરત જઈ રહેલા બે મિત્રોના વલસાડ હાઇવે પર કાળભટકી જતા બંને મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : સુરતથી મુંબઇ જઇ રહેલા બે યુવાન મિત્રોના મોપેડને એક ટ્રકે અડફેટે લીધા હતા આ અકસ્માતમાં મોપેડ પર સવાર બે યુવાન મિત્રોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે તેમની પાછળ અન્ય બાઇક પર સવાર થઇ આવતા તેમના અન્ય એક મિત્રનો બચાવ થઇ ગયો હતો મુંબઇના વસઇમાં રહેતા 26 વર્ષિય આશાસ્પદ યુવાન જીતેન્દ્ર અમરબહાદુર યાદવ અને 36 વર્ષિય સુરજ સોમનાથ મિશ્રા એમએચ 47 એસી 8873 નંબરની વેસ્પા મોપેડ પર સવાર થઇ સુરતથી મુંબઇ જઇ રહ્યા હતા. ત્યારે વલસાડ નજીક હાઇવે પર તેમના મોપેડને જીજે 15 ઝેડ 533 નંબર ધરાવતી ટ્રકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં જીતેન્દ્ર અને સુરજને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે તેમની પાછળ આવી રહેલા રોનાલ્ડ નામના તેમના અન્ય મિત્રનો બચાવ થયો હતો આ ઘટના બાદ રોનાલ્ડ આઘાતમાં સરી પડ્યો હતો. તેણે જણાવ્યું કે, તેઓ સુરત ફરવા આવ્યા હતા અને મુંબઇ પરત થઇ રહ્યા હતા. આ અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે વલસાડ સિટી પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેને પકડવાની કવાયત હાથ ધરી છે.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, સુરત થી મનોરનો હાઇવે નં. 48 એશિયાનો સૌથી વ્યસ્ત હાઇવે ગણાય છે. આ હાઇવે વલસાડ જિલ્લામાંથી પસાર થાય છે. અહીં અવાર-નવાર અનેક અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. જિલ્લા પોલીસે અકસ્માતો અટકાવવા અનેક પગલાં ભર્યા છે. છતાં આડેધડ ડ્રાઇવિંગ કરતા ટ્રક ચાલકો અનેક વખત નાના વાહનોને અડફેટે લઇ અકસ્માતો કરતા હોય છે. ત્યારે આડેધડ ચાલતા મોટા વાહનો વિરૂદ્ધ વધુ કડક કાર્યવાહી થાય એ જરૂરી બન્યું છે

(8:26 pm IST)