Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

નર્મદા નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન થાય છે: મનસુખભાઈ વસાવાની મુખ્યમંત્રીને ફરિયાદ

સરકાર નદીમાંથી 5 મીટર ઊંડાઈએથી રેતી કાઢવાની મંજુરી આપે છે તે છતાં રેતી માફીયાઓ 25 થી 30 મીટર સુધી ખોદી રેતી કાઢે છે: મનસુખભાઈ વસાવાનો આક્ષેપ:રાત્રીના 11 થી 12 વાગ્યાની વચ્ચે રેતી લઈ જતી ટ્રકો રોયલ્ટી વિનાની હોય છે, રેતી માફીયાઓ રોયલ્ટીની ચોરીઓ પણ કરે છે: મનસુખભાઈ વસાવાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ ફરી પાછો રેતી ખનનનો મુદ્દો ઉચક્યો છે. એમણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત ફરિયાદ કરતા જણાવ્યું છે કે નર્મદા નદીના પટમા બેફામરીતે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે, આ રેતી ખનનમાં મોટા રાજકીય માથાઓની પણ સંડોવણી હોવાનો આક્ષેપ કરતા ખદભળાત મચ્યો છે.

  ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ  પટેલને રેતી ખનનની ફરિયાદ કરતો એક સણસણતો પત્ર લખી જણાવ્યું છે કે ભરૂચ, વડોદરા અને નર્મદા જીલ્લાના નર્મદા નદીના પટ માંથી મોટાપાયે ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી છે.નારેશ્વરની નજીક લિલોડ ગામ થતા  ઓઝ ગામના સામેના કાંઠા સુધી મોટા રેતીના પાળા બનાવ્યા છે, આવા મોટા રેતીના પાળાને લીધે નદીનો પ્રવાહ રોકાઈ જતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સરકાર નદીમાંથી 5 મીટર ઊંડાઈએથી રેતી કાઢવાની મંજુરી આપે છે તે છતાં રેતી માફીયાઓ 25 થી 30 મીટર સુધી ખોદી રેતી કાઢે છે.રાત્રીના 11 થી 12 વાગ્યાની વચ્ચે રેતી લઈ જતી ટ્રકો રોયલ્ટી વિનાની હોય છે. રેતી માફીયાઓ રોયલ્ટીની ચોરીઓ પણ કરે છે.આ ગેરકાયદેસર રેતી ખનનમાં મોટા રાજકીય માથાઓ પણ સંડોવાયેલા છે. આ તમામ મુદ્દે સરકાર ઊંડી તપાસ કરે અને રેતી ખનનની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતિઓ બંધ થાય એવી મારી માંગ છે

(10:28 pm IST)