Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

શેરડીના ખેતરે જતા મજૂરો ભરેલું ટ્રેકટર કેનાલમાં ખાબકતા બે મહિલાના મોત ;આઠને ઇજા

ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા અલ્લુ ગામ નજીક કેનાલમાં પલ્ટી ખાઈ જતા કરુણાંતિકા સર્જાઈ

 

બારડોલી :શેરડીની કાપણી અને ભરાઈના કામે આવતા મજૂરો ટ્રેકટરમાં બેસીને આવી રહ્યાં હતા ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર કેનાલમાં ખાબકતા બે મહિલાના મોત નિપજયા છે જયારે અન્ય આઠ મજૂરોને ઇજા થઇ છે અંગેની વિગત મુજબ મહુવા તાલુકાના બોરિયા ગામે પડાવ નાખીને રહેતા કોપર સુગર દાદરિયાના શેરડી કાપવા આવેલા મજૂરો  એક ટ્રેકટરમાં બેસીને બારડોલી તાલુકાના સેજવાડ ગામે ખેડૂતના ખેતરમાં શેરડી કાપવાની કામગીરી માટે જતાં હતા.તે દરમિયાન ટ્રેકટરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અલ્લુ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડા.બા. કાઠાની મેઈને કેનાલના ખાડીના પુલ પરથી ટ્રેકટર ઊંડી કેનાલમાં પલટી મારી જતાં બે મજૂરોના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય આઠ મજૂરોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

 વધુમાં જાણવા મળતી વિગત મુજબ દાદરિયાની કોપર સુગરમાં શેરડી કાપવાની મજૂરી કામે આવેલા ડાંગ જિલ્લાના કિરલી ગામના મજૂરો બોરિયા ગામે જંગલેશ્વર મંદિર પાસે પડાવ પરથી બારડોલી તાલુકાના સેજવાડ ગામે રમેશભાઈ વિરજીભાઈ સેલાડીયાના ખેતરે શેરડી કાપવાની અને ભરવાની કામગીરી કરવા માટે પડાવ પરથી ટ્રેકટર (નં-જીજે-૦૧-ટીસીએ-૪૪૩)માં બેસી બોરિયા ગામના ટ્રેકટર ચાલક મનિષભાઈ જશવંતભાઈ કોળી પટેલ સાથે જઈ રહ્યા હતા. ત્યારે મજૂરો ભરેલું ટ્રેકટર બારડોલીના અલ્લુ ગામેથી પસાર થતી ઉકાઈ ડાબા કાઠાંની મુખ્ય કેનાલના ખાડીના પુલ પરથી પસાર થઈ રહ્યું હતું. દરમિયાન ટ્રેકટરના ચાલક મનિષ જશવંત કોળી પટેલે ટ્રેકટર પરનો કાબૂ ગુમાવી દેતાં મજૂર મહિલાઓ ભરેલું ટ્રેકટર ઊંડી કેનાલમાં ઘસડાઈને પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

  અકસ્માતમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના કીરલી ગામે વચલા ફળિયામાં રહેતાં દાદરિયા સુગરના આઠ મજૂરો પૈકી ટ્રેકટરમાં સવાર અંકિતાબેન ગીરીશભાઈ પવાર, વિમલાબેન મોતીરામભાઈ પવારને જીવલેણ ઈજાઓ પહોંચતાં બંનેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં ર્શિમલાબેન હેમંતભાઈ કોકણી, સંગીતાબેન સોમુભાઈ કોંકણી, સંજનાબેન શૈલેષભાઈ કોંકણી અને સંગીતાબેન અજયભાઈ કોંકણીને ગંભીર ઈજાઓ પહોંચતાં ચારેયને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

તે સિવાયના અન્ય ચારેક મજૂરોને ઓછીવત્તી ઈજા પહોંચતાં તમામનો આબાદ બચાવ થયો હતો. અંગે મોતીરામ ભીલુભાઈ (રહે.ડાંગ) ટ્રેકટર ચાલક મનિષ જશંવતભાઈ કોળી પટેલ (રહે.બોરિયા ડેરીફળિયું, તા. મહુવા) વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:20 pm IST)