Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

રાજ્યના ૪૦ પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ આરોપી જબ્બે

ક્રાઇમબ્રાંચે રાજસ્થાનના બે બુટલેગરોને ઝડપ્યાઃ બંને બુટલેગર રાજસ્થાન-હરિયાણાથી છેલ્લા ઘણા સમયથી દારૂ જથ્થો મોટાપાયે ગુજરાતમાં ઘૂસાડી રહ્યા હતા

અમદાવાદ,તા. ૭, શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ એક મહત્વની કામગીરીમાં ગુજરાત રાજયમાં ૪૦ જેટલા પ્રોહીબીશનના ગુનાઓમાં વોન્ટેડ એવા બે કુખ્યાત બુટલેગરો સુનીલ દરજી અને ચિરાગ પંચાલને આજે ઝડપી લીધા હતા. પોલીસે બંને બુટલેગરોને શહેરના સરદારનગર વિસ્તારમાં શીકરપુર રેસ્ટોરન્ટ પાસેથી ઝડપી લીધા હતા. પોલીસે બંને આરોપીઓને ઝડપી હવે પ્રોહીબીશનના બીજા ગુનાઓનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસ આરંભી છે. શહેરના પીરાણા ઓકટ્રોય નાકા ચાર રસ્તાથી પીપળજ જતા રોડ પર આવેલ ગણેશનગર બસ સ્ટેન્ડ સામે એઇએસ ટ્રાન્સસોલ્યુશન પ્રા.લિની સામે આવેલ પ્રદીપભાઇ ઉર્ફે બુટ્ટાભાઇ રેવાભાઇ ભરવાડની માલિકીના ભાડે આપેલા ગોડાઉનમાંથી વિદેશી દારૃની ૧૦,૬૩૨ નંગ બોટલો અને બીયર ૯૨૪૦ નંગ મળી કુલ રૃ.૪૦.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ તા.૧૧-૩-૨૦૧૭ના રોજ જપ્ત કર્યો હતો અને આ ગુનામાં ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.  જે પ્રકરણમાં ગુજરાત રાજયમાં દારૃબંધી હોવાછતાં મોટાપાયે રાજસ્થાન-હરિયાણા ખાતેથી ગેરકાયદેસર રીતે દારૃનો મોટો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો હોવાની પ્રાપ્ત થયેલી બાતમીના આધારે ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ શરૃ કરાઇ હતી. જેમાં ક્રાઇમબ્રાંચને ચોક્કસ માહિતી મળી હતી કે, રાજસ્થાન-હરિયાણા ખાતેથી ગુજરાતમાં મોટાપાયે દારૃનો જથ્થો ઘૂસાડવા પાછળ કુખ્યાત બુટલેગરો સુનીલ દરજી અને ચિરાગ પંચાલનો મોટો હાથ છે. આ બંને ગુનેગારો રાજયના ૪૦ જેટલા પ્રોહીબીશનના ગુનાઓમાં વોન્ટેડ હોઇ પોલીસે તેઓને ઝડપી પાડવાનું ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં શહેર ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ બંને બુટલેગરોના લોકેશનની ચોક્કસ બાતમી મેળવી ગઇકાલે તેઓને સરદારનગરમાં શીકરપુરી રેસ્ટોરન્ટ ખાતેથી આરોપી ચિરાગ ઉર્ફે ચિરાગ શેઠ પ્રકાશચંદ્ર થાવરચંદ પંચોલી (જૈન) (ઉ.વ.૩૨) (રહે.ખેરવાડા, મહાવીર કોલોની, જિ.ઉદેપુર, રાજસ્થાન) અને સુનીલ મોતીલાલ દરજી(ઉ.વ.૩૦)(રહે.ગામ ગંદોલી, તા.માવલી, જિ.ઉદેપુર, રાજસ્થાન)ને રંગેહાથ ઝડપી લીધા હતા.

ક્રાઇમબ્રાંચે આરોપીઓની દારૃની હેરાફેરીની મોડેસ ઓપરેન્ડીનો પણ પર્દાફાશ કર્યો હતો કે, જેમાં આરોપીઓ રાજસ્થાન-હરિયાણા ખાતેથી પોતાના વાહનોમાં વિદેશી દારૃ અને બીયરનો મોટો જથ્થો ભરાવતા હતા અને પોતાના વાહનો મારફતે રાજસ્થાનના બિછુવાડા આસપાસના તેમના ગોડાઉનોમાં તે છુપાવી દેતા હતા. બાદમાં ગુજરાત રાજયની બોર્ડરની આસપાસ ચોરીછુપીથી અન્ય વાહનોને લાવી તેમના ગોડાઉનમાંથી લવાયેલો જથ્થો તેમાં ભરી રવાના કરી દેતા હતા. આરોપીઓ ખૂબ જ ચાલાક અને રીઢા હોવાથી ક્રાઇમબ્રાંચે તેઓને ઝડપી મોટી સફળતા મેળવી છે અને પ્રોહીબીશનના વધુ ગુનાઓનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

(10:02 pm IST)