Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

સરદારનગરમાં બુટલેગરોનો આંતક : હુમલામાં ૩ ઘાયલ

દારૂનો ધંધો કરવાની ના પાડતાં બુટલેગરોનો હુમલો : હાલ પોલીસે મેગા સર્ચ ઓપરેશન કર્યું હતું : સરદારનગર પીઆઇ અને કોન્સ્ટેબલ સામે ખાતાકીય તપાસ પણ શરૂ

અમદાવાદ,તા. ૭ : શહેરના સરદારનગર વિસ્તારમાં કુબેરનગર પાસે એફ વોર્ડમાં ગઇકાલે સ્થાનિક બુટલેગરોએ એક જ પરિવારના સભ્યો પર ધારિયા, લાકડી સહિતના હથિયારો વડે જીવલેણ હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બુટલેગરોના આંતકથી સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. બુટલેગરોના હુમલામાં બે મહિલાઓ સહિત ત્રણ જણાંને ઇજા પહોંચી હતી, જે એક મહિલાની હાલત ગંભીર હોવાનું મનાઇ રહ્યું છે. સરદારનગર પોલીસે આ બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને સેક્ટર-૨ની સ્કવોડના અધિકારીઓ અને સ્ટાફના વિશાળ કાફલા દ્વારા છારાનગર, કુબેરનગર અને સરદારનગરમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં છારાનગર-કુબેરનગર વિસ્તારમાંથી માત્ર ૭૬ લિટર જ દેશી દારૂ મળી આવ્યો હતો અને પોલીસ આવે તે પહેલાં જ દારૂનો માલ સગેવગે કરી દેવાયો હતો, તેથી આ પ્રકરણમાં સરદારનગર પીઆઇ એચ.બી.ઝાલા અને કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ વિરૂધ્ધ ખાતાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કુબેરનગર પાસે એફ વોર્ડ નજીકના છારાનગર ખાતે માઇકલ ઉર્ફે રીતેશ ગોપાલભાઇ છારા, નીલુ ગોપાલભાઇ છારા અને અનિલ છારા મોટાપાયે દારૂ વેચી રહ્યા હતા, જેથી એફ વોર્ડમાં રહેતા ઝવેરભાઇ વાલજીભાઇ પરમારના ફુઆ ગોપાલભાઇએ ઉપરોકત બુટલેગરોને તેમના ઘર પાસે દારૂનો ધંધો નહી કરવા જણાવ્યું હતું. અગાઉ પણ આ પરિવાર દ્વારા સ્થાનિક બુટલેગરોને તેમના ઘર પાસે દારૂ નહી વેચવા ઠપકો આપી તે અંગે સરદારનગર પોલીસમાં લેખિત અને મૌખિક રજૂઆત અને ફરિયાદ પણ કરવામાં આવી હતી, તેમછતાં બુટલેગરોનો ત્રાસ ચાલુ જ રહ્યો હતો. દરમ્યાન ગઇકાલે ઝવેરભાઇના ફુઆએ આપેલા ઠપકાની અદાવત રાખી બુટલેગરો માઇકલ અને નીલુ તેમના સાગરિતો સાથે તલવાર, ધોકા, લાકડી સહિતના હથિયારો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા અને અચાનક જ ગોપાલભાઇના ઘેર ત્રાટકી કોઇ કંઇ સમજે તે પહેલા જ જોરદાર હુમલો બોલી દીધો હતો. જેમાં ગોપાલભાઇની પત્ની સોનીબહેનને ગંભીર રીતે ભોગ બનાવવામાં આવ્યા હતા, સોનીબહેનને છોડાવવા ઝવેરભાઇ અને તેમની ભત્રીજી નિમિષા વચ્ચે પડતા બુટલેગરો અને તેમના સાગરિતો તેમની પર પણ તૂટી પડયા હતા. બુટલેગર માઇકલે સોનીબહેનને માથામાં તલવારના ઘા ઝીંકી દીધા હતા તો, નિમિષાને માથામાં લાકડીના ફટકાઓ માર્યા હતા. જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સરદારનગર પોલીસે ઝવેરભાઇની ફરિયાદના આધારે બુટલેગર માઇકલ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(8:11 pm IST)