Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

વડોદરા: કલરના કોન્ટ્રાક્ટરની હત્યાનો ભેદ ઉકેલાયો

વડોદરા:કરજણમાં ચાર મહિના પહેલા થયેલ કલરકામના કોન્ટ્રાક્ટરનુ મોત કુદરતી નહી પરંતુ તેની હત્યા થઇ હોવાનો પર્દાફાશ થયો છે. ધંધાકીય હરિફાઇમાં પાંચ શખ્સો કોન્ટ્રાક્ટરને લઇ ગયા બાદ તેની હત્યા કરી  બાદમાં  મકાનના ધાબા પરથી પટકાતા મોત નિપજ્યુ હોવાની વાર્તા ઉપજાવી કાઢી હતી પરંતુ પીએમ રીપોર્ટમાં હત્યાની વિગતના પગલે પોલીસે પાંચેય હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. કરજણ નવાબજાર વિસ્તારમાં જલારામનગર ખાતે રહેતા મુળ ઉત્તરપ્રદેશના વતની અમીતસીંગ ભીમસીંગ રાજપુત કલરના કોન્ટ્રાક્ટ રાખે છે અને પોતાના મકાનમાં વતનમાંથી આવેલા ત્રણ મજૂરોને સાથે રાખી કલરનું કામ કરે છે. તા.૨૯ ઓક્ટોબરના રોજ રાત્રે તેઓ ઘેર હતા ત્યારે બંટી, રાજુ, રીન્કુ અને પ્રેમસીંગ તેમજ ચાચુ ઉર્ફે જયવીરસીંગ આવ્યા હતા અને વાત કર્યા બાદ અમીતને પાંચેય જણા સાથે લઇ ગયા હતાં. મોડી રાત્રી સુધી અમીત ઘેર નહી આવતા તેની સાથેના મજૂરો રાહ જોયા બાદ ઉંઘી ગયા હતાં. મોડી રાત્રે ત્રણ વાગે અમીતના મજૂર સતીષ રામનારાયણ કઠેરીયાને પગમાં કોઇ વસ્તુ અડતા તે જાગી ગયો  ત્યારે પાંચેય વ્યક્તિઓ અમીતને ઉંચકીને લાવ્યા હતા અને રૃમના ખાટલા પર સુવડાવી દીધો હતો. આ અંગે સતીષે પુછતા  અમીતે વધારે દારૃ પીધો છે, ભાનમાં નથી તેને સુવા દે તેમ બંટીએ કહેતા સતીષને શંકા ગઇ  હતી કારણકે અમીતના ગળામાં ચકામો હતો અને શ્વાસ પણ ચાલતો ન હતો. જો કે બાદમાં રવિન્દ્ર ઉર્ફ ેબંટીએ ધમકી આપી હતી કે તું જાણી ગયો છે તો ચુપ રહેજે નહી તો તારો પણ આ હાલ કરીશું. બાદમાં બીજા દિવસે પોલીસને જાણ કરી અમીતનું મોત ધાબા પરથી પડી જતા થયુ છે તેવી વિગત જણાવી હતી. દરમિયાન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી અમીતની લાશનું પીએમ કરાવતા તેનુ ગળુ દબાવી હત્યા કરાઇ હોવાનુ બહાર આવ્યુ હતુ જેના પગલે કરજણ પોલીસે સતીષની ફરિયાદના આધારે પ્રેમસીંગ હરીચંન્દ્રસીંગ રાજાવત, ધર્મેન્દ્રસીંગ ઉર્ફે રીન્કુ રાજેન્દ્રસીંગ રાજપુત, રવિન્દ્રસીંગ ઉર્ફે બંટી સુખરામસીંગ રાજપુત, જયવીરસીંગ ઉર્ફે ચાચુ મદનસીંગ ભદોરીયા અને રાજુસીંગ દિગપાલસીંગ પરીહાર સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

(6:10 pm IST)