Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

નર્મદા કેનાલ પર ખેડૂતોની પાઇપો કેનાલમાંથી દૂર કરવામાં આવતા શિયાળુ સીઝન પર ખતરો મંડાયો

ભાભર: શિયાળુ સીઝન છેલ્લા તબક્કામાંથી પસાર થઈ રહી છે. એક પાણી પાકને મળવું જરૃરી છે ત્યારે નર્મદા કેનાલમાંથી પાણી મેળવી સિંચાઈ કરતા ખેડૂતો માટે કપરો સમય તંત્રએ ઉભો કર્યો છે. છેલ્લા બે દિવસથી નર્મદા નહેર ઉપર રહેલા ખેડૂતોની પાઈપો (ટોટા) કેનાલમાંથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં ખેડૂતોમાં રોષની લાગણી ઉદ્ભવી છે. તાલુકાના ૧૨ ગામોમાં શિયાળુ સીઝન ઉપર ખતરો મંડાયો છે. આજે  બીજા દિવસે ભાભર તાલુકાના બુરેઠાથી કચ્છ બ્રાન્ચ નર્મદા કેનાલ ઉપર રહેલા ખેડૂતોની પાઈપો (ટોટા) કાપવા માટે નર્મદા નહેર વિભાગના અધિકારીઓ પોલીસ ટીમ સાથે સવારથી આવી ગયા હતા. તંત્ર દ્વારા કેનાલમાં રહેલી પાઈપો આડેધડ કાપવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેના કારણે મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ ઉપર દોડી આવ્યા હતા. મોંઘા ભાવની પાઈપો તંત્ર દ્વારા કુહાડીથી કાપી નાખવામાં આવતી હતી. જેના કારણે ખેડૂતોએ  પાઈપો કેનાલમાંથી જાતે દુર કરી હતી. સવારે બુરેઠાથી પાઈપો કાપવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. જેના કારણે ભાભર તાલુકાના બુરેઠા, કપરુપુર, ઉજ્જનવાડા, ગાંગુણ, તનવાડ, માનપુરા, વાવડી, બેડા, ઈન્દરવા નવા, ઈન્દરવા જુના, ઉંડાઈ અને જાસનવાડા વગેરે ૧૨ જેટલા ગામોના ખેડૂતો સિંચાઈ માટે કચ્છ બ્રાન્ચની કેનાલમાંથી પાણી મેળવી સિંચાઈ કરતા હતા. શિયાળુ સીઝન માટે માત્ર એક પાણીની જરૃર હતી. તે સમયે તંત્ર દ્વારા કેનાલ ઉપરથી પાઈપો કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ જવાની ભીતિ ઉભી થતાં ખેડૂતોમાં તંત્ર અને સરકાર સામે રોષ ભભુકી ઉઠયો છે. શિયાળુ સીઝન ઉપર ખતરો મંડાયો છે.

 

 

(6:09 pm IST)