Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

નડિયાદ નજીક કણજરીમાં શિષ્યવૃત્તિની ઉચાપત કરનાર શાળાના આચાર્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નડીયાદ:તાલુકાની કણજરી કુમાર શાળાના આચાર્ય પર સરકારી નાણાની ઉચાપતના આક્ષેપ થયા છે. નડીયાદના એક અરજદાર દ્વારા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી તેમજ તાલુકા પ્રા.શિક્ષણાધિકારીને એક વર્ષથી આ બાબતે રજુઆતો કરી હોવા છતા સમગ્ર કૌભાંડમાં કોઇ જ કાર્યવાહી કરવામાં નહી આવી હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. 

 


અરજદાર દિપક મહીડા દ્વારા તાલુકા પ્રા.શિક્ષણાધિકારીને ૨૮ એપ્રિલ,ર૦૧૭ ના રોજ લેખિત ફરિયાદમાં આક્ષેપ કરાયો છેકે, કણજરી કુમારશાળાના વિધાર્થીઓને છેલ્લા ઘણા સમયથી શિષ્યવૃત્તિ મળી રહી નથી.ઓ બાબતે વાલીઓ દ્વારા શાળાના આચાર્યને રજુઆતો કરવા છતા કોઇ પગલા લેવામાં આવી રહ્યા નથી. આક્ષેપ કરાયો છેકે કણજરી પ્રા.શાળાના સરકારી બેંકમાં ચાર જેટલા ખાતા છે. જેમાંથી આચાર્ય દ્વારા અંગત વ્યક્તિઓને ચેક આપી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી છે અને બેંકોમાં જમા થયેલા સરકારી નાણા પોતાના અંગત કામોમાં વાપરી નાખવામાં આવ્યા છે. જે બાદ છેલ્લા ઘણા સમયથી શાળાના આચાર્ય રોહીત વાલજીભાઇ કાનજીભાઇ શાળામાં હાજર રહેતા જ નથી. આચાર્ય શાળામાં હાજર ન રહેતા શાળાની કામગીરી પર પણ તેની અસર પડી રહી છે. જેથી આ સમગ્ર બાબતે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા પણ વ્યકત કરવામાં આવી હતી. 

અરજદારે આક્ષેપ કર્યો છે કે આ બાબતે તમામ ઉચ્ચ અધિકારીઓને જાણ હોવા છતા આંખ આડા કાન કરવામાં આવે છે. સરકારી શાળામાં સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિ તથા અન્ય ફંડના નાણા આચાર્ય રોહીત વાલજીભાઇ કાનજીભાઇ તથા તેમના મળતીયા દ્વારા અંગત કામમાં વાપરી નાંખી સરકારી તિજોરીને ભારે નુકસાન કર્યુ છે. અરજદારના જણાવ્યા મુજબ આચાર્ય દ્વારા શાળાનાં આચાર્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે, પરંતુ જરૂરી સરકારી કાર્યવાહી પુર્ણ કરી નથી કે આચાર્યનો ચાર્જ પણ અન્ય કોઇને સોપ્યો નથી. જેના કારણે કુમાર શાળાની કામગીરીને પણ નુકસાન થઇ રહ્યું છે.

(6:08 pm IST)