Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

ગુજરાત ખુલામાં શૌચ મુકત જાહેર

દેશમાં સ્વચ્છતાનો વ્યાપ ૨૦૧૪માં ૩૮.૭ ટકાથી વધીને ૨૦૧૮માં ૭૭.૨૫ ટકા થયો : પેયજલ અને સ્વચ્છતા રાજ્ય મંત્રીનો રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

જામનગર તા. ૭ : ગુજરાત માટે ખરેખર ગર્વની વાત છે! સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ગુજરાત રાજયને ખુલામાં શૌચથી મુકત જાહેર કરવામાં આવ્યું છે. પેયજલ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાતના તમામ ૧૮,૨૬૧ ગામોને ખુલામાં શૌચથી મુકત જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પેયજલ અને સ્વચ્છતા રાજયમંત્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગીએ રાજય સભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્ત્।રમા આ માહિતી આપી હતી.

ભારત સરકારે મહાત્મા ગાંધીજીના જન્મદિનના અવસર પર ઓકટોબર ૨, ૨૦૧૪ના દિવસે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)નો પ્રારંભ કર્યો હતો અને ઓકટોબર ૨, ૨૦૧૯ સુધીમાં સ્વચ્છ ભારત બનાવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કર્યો હતો. ગુજરાત ઉપરાંત દેશના અન્ય ૧૦ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે સિક્કિમ, હિમાચલ પ્રદેશ, કેરળ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દમણ અને દીવ, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ અને મેઘાલયને પણ ખુલામાં શૌચથી મુકત જાહેર કરવામાં આવ્યા છે, એમ મંત્રીજીએ રાજય સભામાં જણાવ્યું હતું.

સદનમાં રાખવામાં આવેલા નિવેદન અનુસાર, આ સંદર્ભે ઝારખંડ રાજયનું પ્રદર્શન ૩૬.૯૪ ટકા રહ્યું હતું. રાજયના કુલ ૨૯,૬૪૭ ગામોમાંથી ૧૦,૯૫૩ ગામોને ઓ.ડી.એફ. જાહેર કરવામાં આવ્યા છે.

શ્રી નથવાણી દેશમાં અને ખાસ કરીને ગુજરાત અને ઝારખંડમાં ખુલામાં શૌચની નાબૂદી માટેના મિશનમાં થયેલી પ્રગતિ, સ્વચ્છતાના સંદર્ભે રાજયો વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગેની માહિતી માંગી હતી.

ગૃહમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દેશમાં સ્વચ્છતાના વ્યાપમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. 'સ્વચ્છતાનો વ્યાપ ૨૦૧૪માં ૩૮.૭ ટકા હતો, જે ૨૦૧૮માં વધીને ૭૭.૨૫ ટકા થયો છે. દેશના ૩૧૦ જિલ્લાઓ, ૨,૭૭૨ બ્લોક, ૧,૩૮,૭૯૯ ગ્રામ પંચાયતો અને ૩,૧૪,૯૩૧ ગામોને ખુલામાં શૌચથી મુકત જાહેર કરવામાં આવ્યા છે,' એમ મંત્રીજીએ જણાવ્યું હતું.

(12:38 pm IST)