Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ગુજરાત વિદ્યાપીઠ વિદ્યાર્થીને વિષયના જ્ઞાન સાથે જીવનલક્ષી શિક્ષણથી સજ્જ બનાવે છે :રાજ્યપાલ

ગુજરાત વિદ્યાપીઠના સાદરા ખાતેના કેન્દ્રની મુલાકાત દરમિયાન ગાંધીજીવન-દર્શનને જન-જન સુધી પહોંચાડવા વિદ્યાર્થીઓને અનુરોધ કરતા રાજ્યપાલ :રાજ્યપાલએ સાદરા કેન્દ્રના બાયોગેસ-રીસર્ચ અને માઈક્રોબાયોલોજી, મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ અને શારીરિક શિક્ષણ વિભાગની મુલાકાત લીધી

અમદાવાદ :ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠનું કુલપતિ પદ ગ્રહણ કર્યા બાદ સાદરા ગામ ખાતે આવેલાં કેન્દ્રની પ્રથમ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે, ગુજરાત વિદ્યાપીઠ વિદ્યાર્થીને વિષયના જ્ઞાન સાથે જીવનલક્ષી શિક્ષણથી સજ્જ બનાવે છે. રાજ્યપાલએ ગ્રામ વિકાસના ધ્યેય સાથે વિદ્યાપીઠના સમૂહજીવનના શિક્ષણને મહત્વપૂર્ણ ગણાવ્યુ હતું.

રાજ્યપાલએ વિદ્યાર્થીઓને જીવન પર્યંત સતત શીખતા રહેવાની શીખ આપતા જણાવ્યુ હતું કે,આજીવન શીખતા રહેનાર વ્યક્તિ સમક્ષ સમગ્ર વિશ્વ જ્ઞાનનો ભંડાર છે. તેમણે વિદ્યાર્થીઓને નિરાશા અને અભાવની હિનતાથી દૂર રહીને સતત વિકાસ માટે દૃઢ ઇચ્છાશક્તિ અને કર્મઠતા દ્વારા યોગ્યતા પ્રાપ્ત કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, ઇતિહાસ પુરુષોએ સંઘર્ષપૂર્ણ સામાન્ય જીંદગી જીવીને શ્રેષ્ઠ કર્મ દ્વારા સફળતા હાંસલ કરી છે. તેમણે મહાપુરુષોના જીવનવૃત્તને વાંચવા અને સફળ જીવનની પ્રેરણા મેળવવા વિદ્યાર્થીઓને આગ્રહ કર્યો હતો.
રાજ્યપાલએ જણાવ્યુ હતુ કે, સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય જેવા ભારતીય સંસ્કૃતિના મૂળ આધાર એવા સદ્દગુણોને જીવનમાં અપનાવી ગાંધીજીએ દેશવાસીઓને આ મહાવ્રત અપનાવવા પ્રેરિત કર્યા હતા. ગુજરાત વિદ્યાપીઠના દરેક વિદ્યાર્થી ગાંધી જીવન-દર્શનને અપનાવી ગ્રામ વિકાસ અને રાષ્ટ્રના વિકાસ માટે પ્રવૃત્ત બની જીવનના લક્ષ્યને સિદ્ધ કરે, તેવો ભાવ પણ રાજ્યપાલએ આ તકે વ્યક્ત કર્યો હતો.
ગુજરાત વિદ્યાપીઠના સાદરા ગામ ખાતેના સંકુલની પ્રથમ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ અહીં બાયોગેસ રીસર્ચ સેન્ટર અને માઈક્રોબાયોલોજી વિભાગ, મહાદેવ દેસાઈ ગ્રામ સેવા સંકુલ અને શારીરિક શિક્ષણ વિભાગનું અવલોકન કર્યું હતું. રાજ્યપાલએ શારીરિક શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરાયેલા યોગ-આસન અને વ્યાયામ કૌશલ્યોને નિહાળ્યા હતા. તેમણે માઈક્રોબાયોલોજીના અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સાથે અહીં ઉપલબ્ધ શિક્ષણ અને સંશોધન સુવિધા વિશે સંવાદ કર્યો હતો. તેમણે અહીંના પુસ્તકાલય અને ગૌ-શાળાની પણ મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. રાજેન્દ્ર ખીમાણી, કાર્યકારી કુલસચિવ  નિખિલ ભટ્ટ તેમજ વિવિધ વિભાગના વડા પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિગતો પ્રસ્તુત કરી હતી.

 

(6:55 pm IST)