Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

મહારાષ્ટ્રમાંથી ચોરેલી ગાડીઓ સુરતમાં સસ્તા ભાવે વેચતી ખટીક ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી

કિશન ખટીક અને ચંદ્રેશ ખટીકને ચોરી કરેલી બોલેરો પીકઅપ સાથે સારોલી બ્રિજ નીચેથી દબોચી લીધા

સુરત :  મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએથી બોલેરો પીકઅપ તેમજ ઇકો કાર ચોરતી ખટીક ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ગેંગ ચોરી કરેલી ગાડીઓને સુરત શહેરમાં સસ્તા ભાવે વેચતા હતા. સુરત શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વાહન ચોરીની ઘટનાઓ રોજબરોજ વધી રહી હતી. તેને ધ્યાનમાં રાખી સુરત પોલીસે વાહનચોરી કરનારા લોકોની તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને બાતતમી મળી હતી કે, કિશન ખટીક અને ચંદ્રેશ ખટીક ચોરી કરેલી બોલેરો પીકઅપ સાથે સારોલી બ્રિજ નીચે ઊભા છે. ત્યારે બાતમીને પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેને ઝડપી પાડ્યા હતા.  

  પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, હસન ચાચા નામનો માણસ ગેરેજમાં વેલ્ડિંગનું કામ કરતો હતો અને આરોપીઓ તેના ગેરેજમાં અવારનવાર ફોર-વ્હિલર રિપેરિંગ કરાવવા જતા હતા. આ મામલે હસન ચાચાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રથી ઘણી ચોરી થયેલી બોલેરો પીકઅપ સહિત ઇકો સસ્તા ભાવે આવે છે. છેલ્લા એક વર્ષમાં તેમણએ પાંચ જેટલા ચોરીના વાહનો લઈને નંબર પ્લેટ બદલીને ઉપયોગમાં લીધી હતી. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી ચાર બોલેરો પીકઅપ સહિત એક ઇકો એમ કુલ પાંચ વાહનો રિકવર કર્યા છે. આ ઉપરાંત હસન ચાચા નામના આ વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. તેટલું જ નહીં, અન્ય ચોરેલા વાહનો કોને-કોને વેચ્યા છે તે અંગે પણ તમામ માહિતી મેળવવાની કવાયત હાથ ધરી છે.

(12:24 am IST)