Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

આણંદ એસઓજીએ ઝાડીઓમાંથી બે શખ્સોને ચોરી કરેલ મુદામાલ સાથે ઝડપી પાડયા

આણંદ : આણંદ એસઓજી પોલીસની ટીમે ખંભાત સબ-જેલ તરફ જવાના માર્ગની બાજુમાં આવેલ ઝાડીઓમાંથી બે શખ્સોને  ચોરી કરેલ અકીક  મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે કુલ્લે રૂા. ૪૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ બંને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખંભાત ખાતે સી-વ્યુ બંગલાથી સબ-જેલ જવાના માર્ગ ઉપર બાજુમાં આવેલ ઝાડીઓમાં અકીક ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સો બેઠા હોવાની તેમજ આ મુદ્દામાલ વેચાણ કરવા અર્થે જનાર હોવાની ગુપ્ત બાતમી આણંદ એસઓજી પોલીસની ટીમને મળતા પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે છાપો માર્યો હતો. દરમ્યાન સ્થળ પર તપાસ કરતા ઝાડીઓમાં બે શખ્સો મીણીયાની કોથળીઓ નજીક બેઠા હોવાનું પોલીસને નજરે ચડયું હતું. જેથી પોલીસે કોર્ડન કરી બંને શખ્સોને ઝડપી પાડયા હતા. 

પોલીસે ઝડપાયેલ શખ્સોના નામ-ઠામ અંગે પૂછપરછ કરતા તે ઝુબેરઅહેમદ રમઝાન અહેમદ શેખ અને તૌફીકખાન ઉર્ફે અપ્પો નાસીરખાન પઠાણ (બંને રહે.કુર્જા મહોલ્લા, ખંભાત) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની પાસેની ચાર મીણીયાની કોથળીઓ તપાસતા તેમાંથી અકીકના નાના-મોટા પથ્થરો મળી આવ્યા હતા. જે અંગે બંનેની પૂછપરછ કરતા તેઓ ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા. પોલીસે બંનેની કડકાઈથી પૂછપરછ કરતા તેઓ અકીક વેચાણ કરવા જનાર હોવાનું જણાવતા આ અકીક ક્યાંથી લાવ્યા તથા તેને લગતા કાગળો અને આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા નહોતા. જેથી આ અકીકના પથ્થરો ચોરી અગર  છળ-કપટથી મેળવ્યા હોવાનું જણાઈ આવતા પોલીસે અકીકના પથ્થર અંદાજીત કિં.રૂા.૩૫ હજાર સહિત કુલ્લે રૂા.૪૧ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ બંને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(6:00 pm IST)