Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

અમદાવાદ સિવિલના છેલ્લા છ મહિનાથી બંધ કરાયેલ ગેટ નં. 6 હજુ સુધી બંધ રહેતા ભારે હાલાકી

અમદાવાદ : એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલનો ગેટ નં. 6 કોરોનાના સમયમાં બંધ કરી દેવાયો હતો. જો કે તબક્કા વાર સરકાર દ્વારા હવે એક પછી એક અનલોકની જાહેરાત કરીને ભીડભાડવાળી જગ્યાઓને શરતોનું પાલન કરવાની શરતે ખોલવાની મંજૂરી અપાઇ રહી છે. પરંતુ શહેરની સિવિલનો ગેટ નં. 6 કોઇ પણ શરતે ખોલવામાં આવતો નથી. પરિણામ સ્વરુપે દર્દીનાં સગાંઓને એક કિ.મી. ફરીને અવરજવર કરવી પડે છે.

શહેરમાં અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જનરલ હોસ્પિટલથી માંડીને ટી.બી. હોસ્પિટલ, ડેન્ટલ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, હાર્ટ હોસ્પિટલ, આંખની હોસ્પિટલ સહિતની અનેક હોસ્પિટલો છે. આ હોસ્પિટલોમાં દરરોજનાં એક હજારથી વધુ દર્દીઓ સારવાર કરાવવા માટે આવે છે અને અસંખ્ય દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવે છે. તેમાંય વળી આ હોસ્પિટલમાં બહારગામનાં દર્દીઓનો ધસારો પણ ખૂબ વધારે છે.

કેન્સર હોસ્પિટલ પાસે ગેટ નં. 6નો મુખ્ય દરવાજો છેલ્લાં છ મહિનાથી કોરોનાનાં કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ગેટ નં. 6ની બાજુમાં પગદંડી માટેનો દરવાજો ચાલુ હતો. આ ગેટમાંથી દર્દીઓ તથા તેનાં સગાંઓ સીધાં જ ઓપીડી અને કેન્સર હોસ્પિટલમાં સીધી અવરજવર કરી શકતા હતાં. તેમાંય વળી ન્યુ સિવિલ પોસ્ટ ઓફીસ, આયુર્વેદિક બોર્ડ, ફાર્મસી બોર્ડ, નર્સિંગ રજીસ્ટ્રેશન બોર્ડ વગેરે ઓફીસો આવેલી હોવાંથી તેનાં કામથી આવતાં લોકો માટે પણ સરળતા હતી. પરંતુ આ ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. તે જ રીતે ગેટ નં. 7 પણ બંધ છે. માત્ર પગદંડી જ ચાલુ છે.

આ અંગે જર્હાંગીરપુરા યુથ એન્ડ ફ્રેન્ડઝ સર્કલના પ્રમુખ પ્રવિણસિંહ દરબારે જણાવ્યું છે કે, “બહારગામથી કે અન્ય શહેરમાંથી સારવાર માટે આવતાં દર્દીઓ, દર્દીઓના સગાં, સ્ટાફ તેમજ ઉપરોક્ત ઓફીસોનો તમામ સ્ટાફ ગેટ નં. 5માં થઇ જવું પડે છે. ગેટ નં. 6 બંધ હોવાના કારણે બધાંને એકાદ કિ.મી. સુધી ફરીને અવરજવર કરવી પડે છે. તેથી પણ વિશેષ આ ગેટ પાસે જ બસો ઊભી રહે છે. ઉપરાંત રિક્ષાથી માંડીને તમામ વાહનો તેમજ દવાની દુકાનો પણ ત્યાંથી નજીક પડે છે. આમ, વગર કારણે દર્દીઓ, સ્ટાફ તથા દર્દીનાં સગાંઓ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. તો પગદંડીનો રસ્તો તાકીદે શરૂ કરવો જોઇએ.

(4:59 pm IST)