Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ગીર-સોમનાથમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વૃદ્ધ પેન્શન યોજના, મુખ્યમંત્રી માતૃવંદના યોજના સહિતની યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કરાઇ

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર સહિત પદાધિકારીઓ/ અધિકારીઓએ લીલીઝંડી આપી રથને કરાવ્યું પ્રસ્થાન

પ્રભાસ પાટણ :ભારતના આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ રામીબહેન વાજા, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર સહિત પદાધિકારી/અધિકારીઓએ લીલીઝંડી આપી રથને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ તકે શ્રીમતિ રામીબહેન વાજાએ કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા બે દાયકામાં ગુજરાતને વિકાસના શિખરે પહોંચાડ્યું છે. ૮૦થી વધારે યુનિવર્સિટી નિર્માણ પામી છે તો કોલેજો પણ ત્રણ ગણી થઈ છે. મેડિકલ સીટ પણ ૫૭૦૦ કરવામાં આવી છે. સરકારે છેલ્લા બે દાયકામાં શિક્ષણને પ્રાધાન્ય આપી ગુજરાતના યુવાધનને કૌશલ્યસભર બનાવ્યું છે. ૨૦ વર્ષની આ સફર અમૂલ્ય છે. જેમાં અનેકવિધ યોજનાનું સાક્ષી ગુજરાત બન્યું છે.

નોંધનીય છે કે, ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં બે રથની ફાળવણી કરવામાં આવી છે. આ બન્ને રથ હેઠળ લોકકલ્યાણ માટે ૫ જુલાઈથી ૧૯ જુલાઈ દરમિયાન જિલ્લાના ૧૭૫ કરતા વધુ ગામડાઓને આવરી લેવાશે. આ તમામ ગામડાઓમાં સરકારની જુદી જુદી યોજનાઓ વિશે જાણકારી તેમજ યોજનાઓના લાભાર્થીઓને સહાય આપવામાં આવશે.

ઉપરાંત જનપ્રતિનિધિઓ તેમજ પદાધિકારી અને અધિકારીઓની હાજરીમાં વિકાસ રથ યાત્રાની સાથે જ વીસ વર્ષના વિકાસકાર્યોનું વિહંગાવલોકન તેમજ સફાઈ અભિયાન, વિનામૂલ્યે રોપા વિતરણ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) લાભાર્થીઓને કીટ વિતરણ, કુંવરબાઈનું મામેરુ અને માનવ ગરિમા યોજના સહાય વિતરણ તેમજ ગુજરાત વિકાસ યાત્રાનું પ્રદર્શન, વિકાસકામોનું લોકાર્પણ તેમજ ખાતમૂહુર્ત પણ કરવામાં આવશે. ઉપરાંત વંદે ગુજરાત વિકાસયાત્રા દ્વારા નાગરિકોને ગુજરાતની ગૌરવવંતી વિકાસગાથાથી વાકેફ કરાશે.

આ કાર્યક્રમમાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એસ.જે.ખાચર, પ્રાંત અધિકારી સરયુબા જસરોટીયા સહિત વિવિધ વિભાગોના શીર્ષ અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળા પ્રમાણમાં શહેરીજનોની પણ ઉપસ્થિતી રહી હતી.

(12:57 am IST)