Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

સામૂહિક આપઘાતનો નિર્ણય મારા પિતાનો હતો : યુવક

ઝેર પીને બચી ગયેલા ભાવિન સોનીનું નિવેદન : હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ ભાવિને લોકોને જ્યોતિષીઓના ચક્કરમાં નહીં ફસાવાની સલાહ આપી

અમદાવાદ,તા.૬ : વધુ રૂપિયામાં કમાવવાની લાલચમાં જ્યોતિષીઓની અડફેટે ચઢેલો વડોદરાનો સોની પરિવાર આજે આખો વિખેરાઈ ગયો છે. સોના-ચાંદીના કળશ શોધવાની ચક્કરમાં પરિવારે ત્રણ સદસ્યો ગુમાવ્યા, તો બાકીના ત્રણ હોસ્પિટલના બિછાને છે. પરંતુ સોની પરિવારનો આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. પરિવાર વિખેરાયા બાદ આજે ભાવિન સોનીને અફસોસ થઈ રહ્યો છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ ભાવિને લોકોને જ્યોતિષીઓના ચક્કરમાં ન ફસાવાની સલાહ આપી છે.  ભાવિને કહ્યું કે, અમારી સાથે જે થયું એ સમાજ માટે એક ઉદાહરણ છે કે કોઈપણ વ્યક્તિ લેભાગુ જ્યોતિષીના ચક્કરમાં ન પડે.

       મારા પિતાએ જયોતિષીના ચક્કરમાં ૩૨ લાખ ગુમાવ્યા હતા. પરિવારે કેવી રીતે ઝેર પીવાનો નિર્ણય લીધો તે અંગે ભાવિને કહ્યું કે, સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય મારા પિતા નરેન્દ્ર સોનીનો હતો. અમે બધાએ તેમના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. પરંતુ તેઓ માન્યા ન હતા. અમે વિરોધ કર્યો, પણ તેમની સામે અમારી કોઈ જ વાત ચાલી ન હતી. મારા પુત્રને પણ દવા તેમણે જ પીવડાવી હતી. ૨૦૧૮ ના વર્ષથી અમારી પડતીની શરૂઆત થઈ હતી. જ્યોતિષીઓના ચક્કરમાં આવીને અમે અમારું સર્વસ્વ ગુમાવ્યું. જેથી અમારી પાસે સામૂહિક આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ભાવિને કહ્યું કે, મારા પિતા લેભાગુ જ્યોતિષીઓના ચક્કરમાં આવી ગયા હતા. તેમણે આ ચક્કરમાં ૩૨ લાખ ગુમાવ્યા હાત. તો સાથે જ મારો બિઝનેસ પણ સારો ચાલતો ન હતો. પરિવાર ચારેતરફથી ભીંસમાં આવી ગયો હતો. અમારી નાણાકીય સ્થિતિ ખરાબ હતી અને એમાંય પિતા જયોતિષીના રવાડે ચડી જતાં દેવું અનેક ગણું વધી ગયું હતું.

(8:19 pm IST)