Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કોઈપણ દર્દીએ બીમારીની સારવાર ઈન્ડોર તરીકે લેવી કે આઉટડોર પેશન્ટ તરીકે તે ડોકટર જ કહી શકેઃ વીમા કંપનીને કોર્ટે આપ્યો ઝટકો

સુરત, તા.૬: વીમાદારે પોતાની બિમારીની સારવાર ઈન્ડોર કે આઉટડોર પેશન્ટ તરીકે મેળવવી એ તબીબ નક્કી કરી શકે, વીમા કંપની એવા કારણોસરે પોલીસી શરતના ભંગ બદલ વીમાદારનો કલેઈમ નકારે તો ગ્રાહક સેવામાં ખામી ગણાય એવો નિર્દેશ આપી સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ એ. એમ. દવે તથા સભ્ય રૂપલબેન બારોટે વીમાદારને વાર્ષિક ૮ ટકાના વ્યાજ સહિત ૯૦,૭૭૬ તથા હાલાકી અરજી ખર્ચ બદલ ૫ હજાર ચુકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.

સણીયા હેમાદ ખાતે સીમાડા ગામમાં રહેતા ફરિયાદી સંજય જીવરાજ સુતરીયાની સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીની રૂ.૩ લાખની મેડીકલાસીક પોલીસી હતી. તા.૯-૭-૧૯ના રોજ તેમને વોમીટીંગ તથા નબળાઈ જણાતા ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા હીપેટાઈટસની બિમારીનું નિદાન થતા ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લેતા રૂ.૯૦,૭૭૬નો ખર્ચ થયો હતો. જેનો કલેઇમ કરાતા વીમા કંપનીએ એમ કહીને કલેઇમ રદ કર્યો હતો કે, આવી બિમારીની સારવાર માટે ઈન્ડોર પેશન્ટ તરીકે લેવાને બદલે બહારથી પણ લઈ શકતે. પોલીસી શરતનો ભંગ કરાયો છે.

આ અંગે વીમાદારે નરેશ નાવડીયા મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી રજૂઆતમાં જણાવાયું કે, કોઈપણ દર્દીએ બિમારીની સારવાર ઈન્ડોર  પેશન્ટ તરીકે લેવી કે આઉટડોર પેશન્ટ તરીકે તે ડોકટર જ કહી શકે. કેટલા સમયમાં અને કઈ પધ્ધતિથી તબીબી સારવાર કરવી એ નિર્ણય ડોકટર જ લઈ શકે. વીમા કંપની કે વીમાદાર નહીં. જેથી ફરીયાદી વળતર મેળવવા હકદાર છે.

(4:03 pm IST)