Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

“મેટરનલ રેફરલ સર્વિસીસ”ને સુદ્રઢ બનાવવા માટે આરોગ્ય કેન્દ્રના અધિકારીઓની મીટીંગ યોજાઇ

આગોતરી વ્યવસ્થા થઈ શકવાને કારણે તાત્કાલીક સારવાર મળવાને કારણે માતા મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે : ડૉ. જી સી પટેલ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ગુજરાતમા માતામૃત્ય દરને ઘટાડવાના ભાગ રૂપે  કમિશ્નર (આરોગ્ય) ગાંધીનગર દ્વારા “મેટરનલ રેફરલ સર્વિસીસ”ને વધારે સુદ્રઢ બનાવવા હાથ ધરેલ અભિયાન અન્વયે માહે નવે-૨૦થી દર મહિનાની ૫મી તારીખે અમદાવાદ રીજીયન હસ્તક આવેલ મેડિકલ કોલેજો, ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલો, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલો તથા ડીલીવરી થાય છે તેવા આરોગ્ય કેન્દ્રના અધિકારીઓની મિટીંગ યોજવામાં આવે છે. પ્રસુતિ સબંધિત વધુ સારવાર સેવાઓ મેળવવા માટે સગર્ભા પ્રાયમરી આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાંથી વધુ ઉચ્ચ સુવિધા ધરાવતા સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે રીફર કરવામા આવતી હોય છે. ક્યારેક જીલ્લા સ્તરે પૂર્ણ સુવિધા ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં એક જીલ્લામાંથી બીજા જીલ્લાની હોસ્પિટલોમાં  રીફર કરવામાં આવે છે. રેફરલના કિસ્સામાં રીફર કરનાર માતાનું સંપૂર્ણ કલીનીકલ મેનેજમેન્ટ થાય, રેફરલ ચિઠ્ઠી સાથે રીફર થાય તે બાબતે તકેદારી રાખવામાં આવે છે. સગર્ભાને વધુ સારવાર અર્થે જે જગ્યાએ રીફર કરવાની થાય તેવા સંજોગોમાં “વોટ્સઅપ” ગ્રુપના માધ્યમથી, ફોનથી સગર્ભાની આરોગ્ય બાબતે સંપૂર્ણ જાણકારીની આપલે અને ચર્ચા કરવામાં આવે છે. જ્યારે સગર્ભા એમ્બ્યુલન્સમાં રીફર થઈને હાયર ફેસીલીટી ખાતે સારવાર મેળવવા પહોંચે ત્યારે તેની સારવાર સંબંધી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલ હોય છે. આગોતરી વ્યવસ્થા થઈ શકવાને કારણે તાત્કાલીક સારવાર મળવાને કારણે માતા મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. નિયમીત મિટીંગના કારણે “મેટરનલ રેફરલ સર્વિસીસ” વધારે સુદ્રઢ બનેલ છે, વધુ સારવાર અર્થે રીફર કરવાપાત્ર સગર્ભાને તાત્કાલીક સારવાર સેવાઓ સુદ્રઢ થઈ છે. અમદાવાદ રીજીયન દ્વારા આ અભિયાનને સફળ બનાવવા તમામ સ્તરેથી પ્રયત્નો કરવામાં આવેલ છે. આ અભિયાન હેઠળ પબ્લિક હેલ્થ સંસ્થામા ડિલીવરીનું પ્રમાણ વધ્યુ છે અને રેફરલ કેસોનુ પ્રમાણ ઘટયુ છે તેમ અમદાવાદના વિભાગીય નાયબ નિયામક ડૉ. જી. સી. પટેલે જણાવ્યુ હતુ.

(3:23 pm IST)