Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ગાયોના નામે મત માંગતી સરકારના ગૌશાળાઓ - પાંજરાપોળોને આર્થિક સહાય ચુકવવામાં ઠાંગાઠૈયા

રાજયમાં હજારો સંસ્થાઓને આર્થિક સહાય નથી ચૂકવી : માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ 182 રજીસ્ટરર્ડ પાંજરા પોળો તથા ગૌશાળાઓને આર્થિક સહાય ચુકવવાની બાકી

 ગાંધીનગર: વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભા ગુહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સિંહોના મુત્યુ અંગેના પ્રશ્નમાં પેટા પ્રશ્ન કરતાં જણાવ્યું હતું કે, ગીરના સિંહો એ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે. ત્યારે રાજયમાં છેલ્લાં બે વર્ષમાં 313 સિંહોના મોત થયા છે. જે ચિંતાનો વિષય છે. રાજયમાં સિંહોની સારવાર, ખોરાક અને અન્ય કારણોસર કુદરતી કે અકુદરતી રીતે મુત્યુ પામ્યાં છે. વર્ષોથી જંગલમાં રહેતાં માલધારીઓ જંગલમાંથી બહાર નીકળી ગયા છે. જંગલમાં સિંહોને પુરતો ખોરાક મળતો નથી. જેના કારણે જંગલના રાજા જંગલ છોડીને ખોરાકની શોધમાં જંગલની બહાર નીકળવા મજબૂર બન્યાં છે

વધુમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, રાજય સરકાર દ્વારા ગુજરાતના ગૌરવ સમાન 24 જેટલાં સિંહોને પારકાં રાજયમાં પાંજરે પુરી દીધા છે તેનો સરકારે જવાબ આપવો જોઇએ.

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપને આડે હાથ લેતાં કહ્યું હતું કે, ચુંટણી સમયે હિન્દુત્વ અને ગાયોના નામે મત માંગતી ભાજપ સરકાર રાજયમાં ગૌશાળાઓ અને પાંજરાપોળોને આર્થિક સહાય ચુકવવામાં ઠાંગાઠૈયા કરે છે. આજે પ્રશ્નોત્તરમાં બહાર આવેલી વિગતો મુજબ માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ 182 રજીસ્ટરર્ડ પાંજરા પોળો તથા ગૌશાળાઓને આર્થિક સહાય ચુકવવાની બાકી છે. રાજયમાં હજારો સંસ્થાઓને આર્થિક સહાય ચુકવવાની બાકી છે, ત્યારે આ સહાય ન ચુકવાતાં પાંજરાપોળો અને ગૈશાળાઓમાં રહેતી ગાયો ભૂખથી મરી જાય છે એ ભાજપ સરકારને દેખાતું નથી

વિરોધ પક્ષના સવાલનો જવાબ આપતાં વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું છે કે, ગુજરાતનું અને દેશનું ગૌરવ એવા એશિયાટીક સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ માટે સતત ચિંતન કરીને સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે સમયબદ્ધ આયોજન કર્યું છે. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2015માં જ્યારે સિંહની ગણના થઇ ત્યારે 523 સિંહ હતા. જ્યારે વર્ષ 2020માં પુનઃઅવલોકન થયું તેમાં 674 સિંહ નોંધાયા છે. તેમણે ઉમેર્યું કે, સિંહોના અકુદરતી મૃત્યુ અટકે એ માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના પરિણામે આ શક્ય બન્યું છે.

આ માટે ક્ષેત્રિય સ્ટાફને વાહન, હથિયાર, વોકીટોકી, ટેબલેટથી સુસજ્જ કરી સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. ઉપરાંત, પોલીસ વિભાગ, વન વિભાગ અને પી.જી.વી.સી.એલ દ્વારા સંયુક્ત પેટ્રોલીંગ કરાય છે એટલું જ નહીં, વન્ય પ્રાણીના રેસક્યુ માટે રેપીડ એકશન ટીમ તથા રેસ્ક્યુ ટીમની રચના કરાઇ છે. તેમજ ચેકિંગ નાકા પર પરમીશન વગર લોકો ઘૂસી ન જાય તે માટે સી.સી. ટીવી કેમેરા તથા હાઇટેક મોનીટરીંગ યુનિટ કાર્યરત કરીને 293 વન્ય પ્રાણી મિત્રો, 160 હેકર્સ કાર્યરત કરાઇ છે.

તેમણે ઉમેર્યુ કે, સિંહ તથા અન્ય વન્ય પ્રાણીઓને બિમારી, અકસ્માત વખતે તાત્કાલિક સારવાર માટે વેટરનરી ઓફિસરની નિયુક્ત કરીને દેશભરમાં પ્રથમવાર ચાર લાયન એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે, તથા વન્ય પ્રાણી સારવાર કેન્દ્રો કાર્યરત છે. સિંહોના વિચરણનું સતત મોનીટરીંગ કરવા માટે સિંહોને રેડિયો કોલર લગાવવામાં આવ્યા છે. અભ્યારણ્ય વિસ્તારમાંથી પસાર થતા જાહેરમાર્ગો પર સ્પીડ બ્રેકરો, આઇસવોર્ડ મૂકાયા છે તથા રાજુલા-પીપાવાવ, રેલ્વે ટ્રેકની આજુબાજુ ચેઇનલીંક ફેન્સિંગ કરવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

(12:14 am IST)
  • યોગી આદિત્યનાથ સરકાર દુનિયાભરના રામ ભક્તોને એક અનોખી ભેટ આપવા જઈ રહી છે. રામાયણ ના વૈશ્વિક એનસાયકલોપેડિયાની પ્રથમ આવૃત્તિ પ્રકાશન માટે તૈયાર થઈ ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથ, જાનકી નવમીના અવસરે આ ઐતિહાસિક આવૃત્તિનું વિમોચન કરશે. access_time 11:11 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18,292 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,91,864 થઇ :એક્ટિવ કેસ 1,77,389 થયા વધુ 14,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,52,174 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,693 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,216 નવા કેસ નોંધાયા access_time 1:04 am IST

  • ટીમ ઈન્ડિયા ૩૬૫ રનમાં ઓલઆઉટઃ સુંદર (૯૬ રન નોટઆઉટ) સદી ચૂકયો : ૧૫૮ રનની મહત્વની લીડ : અમદાવાદ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ૧૧૪.૪ ઓવરમાં ૩૬૫ રન બનાવી ઓલઆઉટ થયુ છે : સુંદર અને અક્ષર પટેલે શાનદાર બેટીંગનું પ્રદર્શન કરી ભારતને વિનીંગ પોઝીશનમાં લાવી દીધુ છે : કમનસીબે અક્ષર પટેલ ૪૩ રને આઉટ થયા બાદ ઈશાંત અને સિરાજ પણ આઉટ થઈ ગયા હતા : સુંદર સદી ચૂકી જતા નિરાશ થયો હતો તે ૯૬ રને નોટઆઉટ રહ્યો હતો : ઈંગ્લેન્ડના બોલરો સ્ટોકસ ૪, ઍન્ડરસન ૩, લીચને ૨ વિકેટ મળી છે : ભારતને ૧૫૮ રનની મહત્વની લીડ મળી છે access_time 11:35 am IST